મણિપુરના નિવૃત્ત મ્યુઝિક ટીચરની ઢોર માર મારીને હત્યા: 6ની અટકાયત

દિલ્હીના કિલોકરી ગામમાં એક અત્યંત શરમજનક અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. ઘરની બહાર થઈ રહેલા ઘોંઘાટ અને અશાંતિનો વિરોધ કરવા બદલ મણિપુરના 54 વર્ષીય નિવૃત્ત સંગીતકાર અને મ્યુઝિક ટીચર ચોંગથમ વિક્રમ સિંહની ઢોર માર મારીને કરપીણ હત્યા કરાતા હોબાળો મચી ગયો છે. નોર્થ ઈસ્ટના લોકોએ આ ઘટનાને વંશીય હુમલો (Racial attack) ગણાવીને ગુનેગારોને આકરામાં આકરી સજા કરવાની માંગ કરી છે.

આ ઘટના 7 સપ્ટેમ્બરના રોજ બની હતી. દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, સનલાઇટ કોલોની પોલીસ સ્ટેશનને એક વ્યક્તિ સાથે મારપીટ થઈ હોવા અંગેનો PCR કૉલ મળ્યો હતો. માહિતિ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કિલોકરી ગામમાં રહેતા ચોંગથામ વિક્રમ સિંહ નિવૃત્ત સંગીતકાર હતા. તેમના ઘરની સામે કેટલાક ડિલિવરી બોય અને ઢાબાના કર્મચારીઓ ઘોંઘાટ અને હંગામો કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ લોકોને ઘોંઘાટ બંધ કરવાનું કહેવા ઘર નીચે આવ્યા અને તેમણે ત્યાં હાજર લોકોને શાંત રહેવાની વિનંતી કરી. આ અંગે બોલાચાલી વધતાં વિવાદ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી તેમના પર રીતસરના તૂટી પડ્યા. છ લોકોએ ભેગા થઈને તેમને મુક્કા, લાતો મારી, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ચોંગથામ વિક્રમ સિંહને તેમનો પુત્ર યાઇફાબા સારવાર અર્થે દિલ્હીની હોલી ફેમિલી હોસ્પિટલ લઈ ગયો હતો. જો કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના બાદ પોલીસે હત્યાની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીની અટકાયત કરાઈ છે, જેમાં કેટલાક સગીરો પણ છે. સગીર આરોપીઓ સામે કાયદા મુજબ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

નોંધનીય છેકે, આ સમગ્ર ઘટનાક્રમની પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. વિવાદની શરૂઆત કઈ રીતે થઈ, હુમલામાં કુલ કેટલા લોકો સામેલ હતા અને કયા આરોપીની શું ભૂમિકા હતી તેની માહિતી મેળવાઈ રહી છે. આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે આગળની કડક કાયદાકીય કાર્યવાહી કરાશે.

21
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો