0%

જાયન્ટ્સ મોડાસા દ્વારા સફાઈ કર્મચારીઓને મીઠાઈ વિતરણ કરી દિવાળીની અનોખી શુભેચ્છા પાઠવાઈ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

જાયન્ટ્સ મોડાસા દ્વારા સફાઈ કર્મચારીઓને મીઠાઈ વિતરણ કરી દિવાળીની અનોખી શુભેચ્છા પાઠવાઈ

17 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર જાયન્ટ્સ મોડાસા સફાઈ કર્મચારીઓ સાથે દિવાળીની ખુશીઓ વહેંચી

તહેવારોની સાચી ઉજવણી બીજાના જીવનમાં ખુશી વહેંચવામાં છે, તેવા સેવાભાવ સાથે મોડાસામાં છેલ્લા 17 વર્ષથી આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા જાયન્ટ્સ ગ્રુપ ઓફ મોડાસા દ્વારા દિવાળીના પાવન અવસરે અનોખી પહેલ કરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં સતત કાર્યરત સફાઈ કર્મચારી ભાઈ-બહેનો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી તેમને મીઠાઈનું વિતરણ કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 4માં સફાઈની જવાબદારી નિભાવતા કર્મચારીઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ઇન્ટરનેશનલ મેમ્બર અને જીવદયાપ્રેમી નિલેશ જોશી તેમજ રેડક્રોસ સોસાયટીનાં ચેરમેન વનિતાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

*સફાઈ કર્મચારીઓની સેવાઓને બિરદાવી*

આ પ્રસંગે જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ અમરીશ પંડ્યા, મંત્રી વિનોદ ભાવસાર, ઈશ્વર ભાવસાર અને ઉલ્લાસ શાહ, મંજુલાબેન પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સફાઈ કર્મચારીઓ સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી તેમની સેવાઓને બિરદાવી હતી.જીવદયાપ્રેમી નિલેશ જોશીએ જણાવ્યું હતું કે, “આપ સૌની નિષ્ઠા અને સતત મહેનતના કારણે જ આપણું શહેર સ્વચ્છ અને સુંદર રહે છે. શહેરની સ્વચ્છતા જાળવવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે. દિવાળીના આ પાવન પર્વે આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય જળવાઈ રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.”

*મીઠાઈ વિતરણથી સફાઈ કર્મચારીઓના ચહેરા પર ખુશી છવાઈ*

કાર્યક્રમ દરમિયાન તમામ સફાઈ કર્મચારી ભાઈ-બહેનોને મીઠાઈના ડબ્બાનું વિતરણ કરી દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓએ પણ આ આત્મીય પહેલને આવકારી હતી.દિવાળીના પર્વે સફાઈ કર્મચારીઓ સાથે ખુશીઓ વહેંચવાનો આ પ્રયાસ સમાજમાં શ્રમનું સન્માન અને માનવતાનો સુંદર સંદેશ આપી ગયો હતો.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો