અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં નશામાં ધૂત પોલીસકર્મીનો જાહેરમાં હંગામો, એક્ટિવા ચાલકને લાફો ઝીંક્યો- જગદીશ માવજી પરમાર નામના પોલીસકર્મી પર ગુન્હો દાખલ
નવજીવન ચોક પાસે નશાની હાલતમાં કાર હંકારતા પોલીસકર્મીએ જાહેરમાં બખેડો કર્યો હોવાનો આક્ષેપ
કારમાંથી દારૂની બે બોટલ મળી આવતાં પોલીસતંત્રમાં ચકચાર
વેપારીની ફરિયાદના આધારે મોડાસા ટાઉન પોલીસે પોલીસકર્મી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલીકરણની જવાબદારી સંભાળતા ખાખીધારીઓ જ કાયદાના ભંગના આરોપમાં સપડાતા હોય તેવી ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે. મોડાસા શહેરના નવજીવન ચોક નજીક કાળી ચૌદશના દિવસે નશાની હાલતમાં કાર હંકારતા પોલીસકર્મીએ જાહેરમાં હંગામો મચાવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લા પોલીસતંત્રની વહીવટી કચેરીમાં ફરજ બજાવતા જગદીશ માવજી પરમાર નામના પોલીસકર્મી પર દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી એક્ટિવા ચાલક સાથે બબાલ કરવાનો આક્ષેપ થયો છે. કાર એક્ટિવા ચાલકને અડફેટે લેતાં પોલીસકર્મીએ અપશબ્દો બોલી તેને લાફો ઝીંક્યો હોવાની ફરિયાદ સામે આવી છે. એટલું જ નહીં, અન્ય એક વ્યક્તિને પણ લાફો મારી ‘મને ઓળખતા નહીં હોય’ તેમ કહી બેફામ ગાળો બોલતાં સ્થળ પર લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં.ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન કારમાંથી દારૂની બે બોટલ મળી આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પોલીસકર્મીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે વેપારી વસંતભાઈ માનાભાઈ પટેલની ફરિયાદના આધારે જગદીશ માવજી પરમાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા પોલીસકર્મી સામે જ દારૂ પીધેલી હાલતમાં જાહેરમાં હંગામો કરવાના આક્ષેપો થતાં પોલીસતંત્રની છબી સામે ફરી સવાલો ઊભા થયા છે. કાયદાના રખેવાળ જ કાયદાના આરોપી બને ત્યારે જવાબદારી અને શિસ્ત અંગે પણ ચર્ચા તેજ બની છે.









