સેવ ડેમોક્રસી’ (લોકશાહી બચાવો) અને ‘સેવ માઈ વોટ’ (મારા મતને બચાવો)ના પ્લેકાર્ડ અને પોસ્ટર્સ સાથે INDIA બ્લોકના વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે. કથિત મત ચોરીના મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગણી સાથે વિપક્ષી સાંસદોએ સંસદ ભવન બહાર ભેગા થઈને રાજધાની દિલ્હી સ્થિત ચૂંટણી પંચના મુખ્યાલય ‘નિર્વાચન સદન’ તરફ કૂચ કરી હતી.

ઇન્ડિયા ગઠબંધનના વિરોધ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસ અને વિપક્ષી નેતાઓ વચ્ચે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું છે. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ સંસદ માર્ગ પર થયેલી અફરાતફરી વચ્ચે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવનના ગેટની અંદર પહોંચ્યા હતા. ત્યાં ખુલ્લા પરિસરમાં આવેલા એક વૃક્ષની નીચે બંને નેતાઓ જમીન પર બેસી ગયા હતા. તેમની સાથે અન્ય વિપક્ષી સાંસદો પણ બેસીને ચૂંટણી પંચ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બીજી તરફ દિલ્હી પોલીસે આકાશવાણી ભવનના મુખ્ય ગેટ પર સુરક્ષા કડક કરી દીધી છે. પોલીસ અધિકારીઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સમજાવીને વાનમાં બેસાડી સુરક્ષિત રીતે સ્થળ પરથી લઈ જવાની તૈયારી કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન શરૂઆતમાં પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લીધા હતા, પરંતુ કોંગ્રેસના સાંસદોએ પોલીસ બસને રોકી લીધી હતી, જેના કારણે બસમાંથી નીચે ઉતરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવનમાં જતા રહ્યા હતા.
વિરોધ પ્રદર્શન સ્થળેથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિપક્ષી સાંસદોને બસોમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા, જ્યાં કોંગ્રેસ નેતાઓએ એક બસ રોકી લેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અટકાયતમાંથી મુક્ત થવામાં સફળ રહ્યા હતા.
દિલ્હીમાં ‘INDIA’ બ્લોકના સાંસદો દ્વારા સંસદથી ચૂંટણી પંચ (ECI) સુધી કાઢવામાં આવેલા વિરોધ મોરચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પોલીસ બેરિકેડ્સ પર ચઢી ગયા હતા.
આ વિરોધ પ્રદર્શન અને માર્ચ દરમિયાન બે મહત્ત્વપૂર્ણ વિપક્ષી પક્ષો – ડીએમકે (DMK) અને આમ આદમી પાર્ટી (AAP) આ વિપક્ષી માર્ચથી દૂર રહ્યા હતા. મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે કોંગ્રેસે આ મુદ્દાને જનતાની નજરમાં જીવંત રાખવા માટે સંસદના આગામી શિયાળુ સત્ર સુધીનો એક એક્શન પ્લાન અને રોડમેપ તૈયાર કર્યો છે.










