લીંડીયાદમાં ‘કચરો ન નાખશો’ના બોર્ડ નીચે જ કચરાનું સામ્રાજ્ય! ₹5,000ના દંડની ચેતવણી છતાં કચરો યથાવત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીંડીયાદ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા વ્યવસ્થાની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઉભા કરતા દૃશ્યો સામે આવ્યા છે. સ્થળ પરથી મળેલી તસવીરોમાં રસ્તાની બાજુ તેમજ ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં કચરો ફેલાયેલો જોવા મળે છે. એટલું જ નહીં, એક સ્થળે કચરાના ઢગલામાં આગ લાગેલી હોવાથી આસપાસ કાળો ધુમાડો ફેલાતો પણ નજરે પડે છે.

 

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે જે સ્થળે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યાં જ ગ્રામ પંચાયત દ્વારા “અહીં કચરો નાખવો નહીં” તેવી ચેતવણી સાથે કચરો નાખનાર સામે ₹5,000નો દંડ વસૂલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. પરંતુ બોર્ડની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળતા હોવાથી પંચાયતની ચેતવણી અને તેના અમલ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

 

એક તરફ સ્વચ્છતા જાળવવા માટે દંડની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ સ્થળ પર કચરો સતત જોવા મળતો હોવાનો આક્ષેપ છે. જેના કારણે ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો દંડની જોગવાઈ છે તો અત્યાર સુધી કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી? કેટલો દંડ વસૂલવામાં આવ્યો? અને જો કાર્યવાહી કરવામાં આવી રહી હોય તો ફરીથી આટલો કચરો એકઠો કેવી રીતે થયો?

 

કચરો સળગાવવાથી કાળા ધુમાડાનું પ્રદૂષણ

 

તસવીરોમાં કચરાના ઢગલામાં આગ સળગતી જોવા મળે છે. કચરો સળગાવવાથી કાળો ધુમાડો આસપાસ ફેલાતો હોય તેવું દૃશ્ય પણ સ્પષ્ટ છે. ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રવૃત્તિથી પર્યાવરણ તથા આસપાસના લોકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ અંગે જવાબદાર તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

 

સરપંચ અને તલાટી-મંત્રીની જવાબદારી સામે સવાલ

 

ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી, કચરો દૂર કરાવવો અને જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે યોગ્ય વ્યવસ્થા કરવી પંચાયતની કામગીરીનો મહત્વનો ભાગ છે. ત્યારે લીંડીયાદમાં જાહેર રસ્તાની આસપાસ અને ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલા જોવા મળતા હોય તો ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-કમ-મંત્રી દ્વારા આ અંગે શું કામગીરી કરવામાં આવી રહી છે? તે સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો છે.

 

ખાસ કરીને પંચાયત દ્વારા જ ₹5,000ના દંડની ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું હોવા છતાં તેની નજીક કચરો જોવા મળવો ગંભીર બાબત છે. માત્ર બોર્ડ લગાવવાથી સ્વચ્છતા જળવાતી નથી; નિયમનો અમલ અને નિયમિત સફાઈ પણ જરૂરી છે.

 

ગ્રામજનોની માંગ

 

સ્થાનિક સ્તરે માંગ ઉઠી રહી છે કે લીંડીયાદ ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર વિસ્તારની તાત્કાલિક સફાઈ કરાવવામાં આવે, ખુલ્લામાં કચરો નાખવાની અને સળગાવવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવામાં આવે તથા પંચાયત દ્વારા જાહેર કરાયેલા દંડના નિયમનો વાસ્તવિક અમલ કરવામાં આવે.

 

સાથે જ પંચાયત દ્વારા અત્યાર સુધીમાં કચરો નાખનાર સામે કરવામાં આવેલી કાર્યવાહી, વસૂલવામાં આવેલા દંડ અને સફાઈ પાછળ થયેલા ખર્ચ અંગે પણ પારદર્શક માહિતી જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

 

હવે જોવાનું એ રહેશે કે ‘કચરો ન નાખશો’નું બોર્ડ માત્ર ચેતવણી બનીને રહેશે કે પછી લીંડીયાદ ગ્રામ પંચાયત ખરેખર મેદાનમાં ઉતરીને કચરાનું સામ્રાજ્ય દૂર કરશે?

 

રિપોટર કલ્પેશ ધામેલીયા સુરત

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો