અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજીની આશીર્વાદ હોટલમાં મારામારીના કેસમાં પોલીસની ત્વરિત કાર્યવાહી, 4 આરોપીઓ ઝડપાયા -1 વોન્ટેડ
હોટલના ભાડા અને હિસાબના મુદ્દે તકરાર થતાં સંચાલક અને પરિવારજનો પર લાકડીઓ તથા ધારદાર હથિયારોથી હુમલો કર્યાનો આક્ષેપ
અરવલ્લી : શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નેશનલ હાઇવે પર નવા વેણપુર ગામની સીમમાં આવેલી આશીર્વાદ હોટલ ખાતે મારામારીની ઘટના સામે આવી છે. હોટલના ભાડા અને હિસાબના મુદ્દે થયેલી તકરાર દરમિયાન હોટલના સંચાલક તથા તેમના પરિવારજનો પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે શામળાજી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગત તા. 14 ઓક્ટોબર, 2026ના રોજ આશીર્વાદ હોટલ ખાતે ભાડા અને હિસાબના મુદ્દે તકરાર થઈ હતી. આ દરમિયાન કેટલાક ઇસમોએ હોટલ સંચાલક અને તેમના પરિવારજનો સાથે મારામારી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ
1. જીતેન્દ્રકુમાર ખીમજીભાઈ નિનામા, ઉંમર 42 વર્ષ, હાલ રહે. ભિલોડા, મૂળ રહે. વિરપુર, તા. ભિલોડા.
2. બ્રિજેશ રમેશભાઈ કોઠારી, ઉંમર 51 વર્ષ, રહે. મહાવીર નગર સોસાયટી, ઋષભદેવ, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન.
3. શંકરભાઈ મગનભાઈ ગુર્જર, ઉંમર 61 વર્ષ, રહે. લક્ષ્મીનારાયણ મંદિર પાસે, ભિલોડા.
4. રણજીતકુમાર બાબુભાઈ બોડાત, ઉંમર 32 વર્ષ, રહે. ચુનાખણ, તા. ભિલોડા.
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની ગુનામાં સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









