MORBI:મોરબીમાં કચરામાંથી ગેસ બનશે: લાલપર ડમ્પિંગ સાઈટ પર ૧૪૬ કરોડના મેગા પ્રોજેક્ટને લીલીઝંડી

મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક આજે ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં શહેરના વિકાસ, પર્યાવરણ અને નાણાકીય પારદર્શિતાને ધ્યાનમાં રાખીને અનેક મોટા અને નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા છે. બેઠકમાં ખાસ કરીને કચરામાંથી ગેસ બનાવવાના પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવી છે.
૧. ૧૪૬ કરોડના ખર્ચે કચરોમાંથી ગેસ બનાવવાનો મેગા પ્રોજેક્ટ – મોરબી મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ભીના કચરામાંથી ગેસ બનાવવાના આશરે ૧૪૬ થી ૧૪૭ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

જગ્યા અને ક્ષમતા: આ પ્રોજેક્ટ લાલપર ડમ્પિંગ સાઈટ ખાતે ૧૩ એકર જમીનમાં તૈયાર થશે, જેની દૈનિક ૨૫૦ ટન કચરાના નિકાલની ક્ષમતા રહેશે. આમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કચરાનો પણ નિકાલ થશે.
રોકાણ અને સમયમર્યાદા: આ પ્રોજેક્ટમાં એજન્સીનું ૬૦ ટકા અને સરકારની ગ્રાન્ટમાંથી કોર્પોરેશનનું ૪૦ ટકા રોકાણ રહેશે. મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયે આગામી ૬ મહિનામાં પ્રોજેક્ટ શરૂ થવાનો અંદાજ છે અને એજન્સી ૧૫ વર્ષ સંચાલન કર્યા બાદ તમામ મશીનરી કોર્પોરેશનને સોંપશે.
૨. ભંગાર વાહનોની હરાજી અને નાણાકીય પારદર્શિતા મહાપાલિકાની આવક વધારવા માટે વર્ષોથી પડી રહેલા ૪૬ જેટલા કન્ડમ (ભંગાર) વાહનોની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી અંદાજે ૩૨ લાખ રૂપિયાની આવક થવાની શક્યતા છે.
બીજી તરફ, કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં રૂ. ૧૮ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાના બિલના ભાવમાં વિસંગતતા જણાતા સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવી દીધું છે અને એજન્સીને રૂબરૂ બોલાવી યોગ્ય ભાવ નક્કી કર્યા બાદ જ આગળ વધવાનો નિર્ણય લીધો છે.
શહેરની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગના ૧૫ દિવસના રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, વોર્ડ નં. ૫ ના શોભેશ્વર રોડ ઉપર રહીશોની સુવિધા માટે નવું હાઈમાસ્ટ ટાવર ઊભું કરવા ચર્ચા કરાઈ હતી, જેનું ચોક્કસ સ્થાન સ્થાનિક કોર્પોરેટરો સાથે પરામર્શ કરીને નક્કી થશે.
નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા કાયમી ઉકેલ ચોમાસા બાદ નદીમાં ફેલાતી ગાંડી વેલની સમસ્યાના કાયમી નિવારણ માટે અન્ય મોટી કોર્પોરેશનો પદ્ધતિનો અભ્યાસ કરી મોરબીમાં પણ મશીનરી દ્વારા વેલ હટાવવાની કાયમી પ્રક્રિયા શરૂ કરાઈ છે.
નંદીઘરના ચારાના ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી કોર્પોરેશન નિભાવશે શહેરમાં કાર્યરત નંદીઘર માટે દાતાઓ દ્વારા આપવામાં આવતા ઘાસચારાના પરિવહનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, હવેથી ચારાને નંદીઘર સુધી પહોંચાડવાની તમામ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા જ પૂરી પાડવામાં આવશે, જેથી સેવાકીય પ્રવૃત્તિ વધુ સરળ બને.











