કચ્છમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ; ૩૦૨ શાળાના ૧૪,૬૮૫ વિદ્યાર્થીઓ જોડાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

ધો. ૫થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તાલુકા કક્ષાએ પરીક્ષા યોજાઈ; અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ- હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિના જતનના હેતુથી દર વર્ષે આયોજન.

માંડવી,તા.૧૯ સપ્ટેમ્બર : ભારતીય સંસ્કૃતિના જતન, સંવર્ધન અને નવી પેઢીમાં ભારતીય સંસ્કાર તથા જીવનમૂલ્યોનું સિંચન કરવાના ઉમદા હેતુથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ-હરિદ્વાર દ્વારા દર વર્ષે યોજાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા-૨૦૨૬ કચ્છ જિલ્લામાં પણ યોજાઈ હતી. ધોરણ-૫થી લઈને કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી આ પરીક્ષા તાલુકા કક્ષાએ લેવામાં આવી હતી.

કચ્છ જિલ્લામાં યોજાયેલી આ પરીક્ષામાં કુલ ૩૦૨ શાળાઓના ૧૪,૬૮૫ વિદ્યાર્થીઓ જોડાયા હતા. તાલુકાવાર આંકડા મુજબ ભુજ તાલુકામાં ૧૦૩ શાળાના ૪,૭૦૫ વિદ્યાર્થીઓ, ગાંધીધામમાં ૬૪ શાળાના ૩,૮૨૮, મુન્દ્રામાં ૩૫ શાળાના ૧,૬૮૯, માંડવીમાં ૩૩ શાળાના ૧,૩૧૦, અંજારમાં ૧૯ શાળાના ૧,૧૪૬, રાપરમાં ૧૫ શાળાના ૭૦૬, નખત્રાણામાં ૧૬ શાળાના ૬૨૮, લખપતમાં ૯ શાળાના ૪૧૬ અને અબડાસામાં ૮ શાળાના ૨૫૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જિલ્લા અને તાલુકા કક્ષાએ સંકલિત આયોજન પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા તથા તાલુકા કક્ષાએ સંયોજકો અને સહ-સંયોજકોની જવાબદારી સોંપવામાં આવી હતી. જિલ્લા સંયોજક વિષ્ણુભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ હર્ષલભાઈ જોષી – એકાઉન્ટન્ટ અને ધ્રુવભાઈ જાની – સચિવ તરીકે સંકલનની જવાબદારી સંભાળી હતી.

તાલુકા કક્ષાએ ભુજ માટે નીલિમ્પાબેન મચ્છર, નખત્રાણા માટે અલ્પેશભાઈ જાની, માંડવી માટે પ્રતાપભાઈ પઢીયાર, અંજાર માટે કાન્તાબેન નાથાણી, મુન્દ્રા માટે દીપકભાઈ તન્ના, રાપર માટે રસિકભાઈ સોની, ગાંધીધામ માટે પ્રભુલાલભાઈ પરમાર, લખપત માટે કમલેશભાઈ ગુર્જર અને અબડાસા માટે લક્ષ્મણભાઈ ગઢવીએ સંયોજક તરીકે સેવાઓ આપી હતી. તેમની સાથે તાલુકા કક્ષાના સહ-સંયોજકોએ પણ પરીક્ષાના આયોજનમાં સહયોગ આપ્યો હતો.

ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માત્ર શૈક્ષણિક પરીક્ષા પૂરતી સીમિત ન રહેતા વિદ્યાર્થીઓને ભારતની પ્રાચીન સંસ્કૃતિ, ઋષિ-પરંપરા, સંસ્કાર, નૈતિક મૂલ્યો, મહાનુભાવો અને રાષ્ટ્રીય વારસા સાથે પરિચિત કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે યોજાતી આ પરીક્ષામાં કચ્છના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે પોતાની રુચિ દર્શાવી હતી.

આ પરીક્ષાના આયોજનમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકશ્રીઓનો પણ મહત્વપૂર્ણ સહકાર મળ્યો હતો. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહિત કરવા તથા પરીક્ષાનું સુચારુ સંચાલન કરવામાં શિક્ષકગણ અને આચાર્યશ્રીઓનો સહકાર સહયોગ મળ્યો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો