તા.20/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને જળમૂળથી નેસ્તનાબૂદ કરવા અને યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા “NO DRUGS IN SURENDRANAGAR” વિશેષ પ્રચાર-અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે આકરા કાયદાકીય પગલાં ભરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. અવાર નવાર એન. ડી. પી. એસ. એકટ હેઠળ ગુના નોંધાયા હોવા છતાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા ગુનેગારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરેન્દ્રનગરના પોલીસ ઈન્સ્પેક્ટર વાય.પી. પટેલ તથા તેમની ટીમ દ્વારા અટકાયતી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. ચોટીલા તાલુકામાં માદક પદાર્થ ગાંજાના છોડના વાવેતર અને વેચાણ અંગેના ગુનામાં સંડોવાયેલ આરોપી ગોવિંદભાઈ કૂકાભાઈ રોજાસરા મૂળ રહે. રાજપરા, હાલ રહે. જાની વડલા ગામની સીમ, ચોટીલા, સુરેન્દ્રનગર વિરુદ્ધ SOG શાખાએ પૂરતા પુરાવા અને ગુપ્ત માહિતી એકત્ર કરી હતી. આરોપી જેલમાંથી બહાર આવ્યા બાદ પણ પુનઃ નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલો હોવાનું જણાઈ આવતાં, તેના વિરુદ્ધ “કેફી ઔષધો અને મનઃપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અટકાવવા અધિનિયમ- ૧૯૮૮” PIT NDPS Act ની કલમ ૩(૧) હેઠળ સ્થાનિક અટકાયતની કડક દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત સંદર્ભે અધિક પોલીસ મહાનિદેશક સી. આઈ. ડી. ક્રાઈમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફથી મંજૂરીનો આદેશ મળતા જ SOG શાખાએ ત્વરિત કાર્યવાહી કરી આરોપી ગોવિંદ કૂકાભાઈ રોજાસરાની PIT NDPS એકટ હેઠળ અટકાયત કરી તેને ખાસ જેલ ભૂજ ખાતે મોકલી આપ્યો છે. પોલીસની આ કડક અને દાખલારૂપ કાર્યવાહીથી જિલ્લામાં નશીલા પદાર્થોનો ગેરકાયદેસર વેપાર કરતા અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ભારે ફાળ પડી છે.









