વાંસદાના હનુમાનજી મંદિરથી તાલુકા પંચાયત સુધી યાત્રા યોજી આવેદનપત્ર અપાયું ! દિવાળી પહેલાં શ્રમિકોનું વેતન ચૂકવવાની માંગ, નહીં તો ધરણાં-પ્રદર્શન કરવાની અનંત પટેલની ચીમકી


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દિવાળીનો તહેવાર નજીક હોવા છતાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના) હેઠળ કામ કરતા શ્રમિકોને વેતનની ચુકવણીમાં વિલંબ થતો હોવાના મુદ્દે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં હનુમાનજી મંદિર પાસેથી શરૂ થયેલી ન્યાયયાત્રા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી શ્રમિકોના બાકી વેતન સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોના બાકી વેતનની તાત્કાલિક ચુકવણી કરવાની સાથે મેટ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના બાકી પગારની પણ ચુકવણી કરવાની માંગ કરવામાં આવી હતી. દિવાળી જેવા તહેવાર પૂર્વે વેતન ન મળવાથી શ્રમિક પરિવારોને પડતી આર્થિક મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
‘શ્રમિકોનું વેતન રામભરોસે થઈ ગયું છે’ : અનંત પટેલ
ન્યાયયાત્રા દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે સરકારની કામગીરી અંગે ટીકા કરતાં જણાવ્યું હતું કે, મનરેગાના શ્રમિકોનું વેતન રામભરોસે થઈ ગયું છે, શ્રીરામ પણ નારાજ હશે. દિવાળી જેવા મોટા તહેવાર પહેલાં શ્રમિકોને વેતન ચૂકવવામાં નહીં આવે તો તેમના ઘરમાં દિવાળીના દીવા પણ સળગશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો સમયસર વેતનની ચુકવણી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તાલુકા પંચાયત કચેરી બહાર ધરણાં-પ્રદર્શન કરવામાં આવશે.
શ્રમિકોના પ્રશ્ને આંદોલનની ચીમકી
વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, શ્રમિકોના વેતનનો પ્રશ્ન ગંભીર છે. શ્રમિકોને તેમના કામનું વેતન સમયસર મળે તે જરૂરી છે. આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવશે.
આ ન્યાયયાત્રામાં વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ચૌધરી, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નિકુંજ ગાવિત, મનીષ પટેલ, અંજનાબેન, વૈશાલીબેન, નિતેશભાઈ, મહેન્દ્રભાઈ, અનિલ પટેલ, ધવલ ઢીમર, રજિત પાનવાલા, ગૌરાંગ પટેલ, સાવનભાઈ, પ્રણવભાઈ, સતીશભાઈ, ચંપાબેન સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.









