રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: શહેરમાં સ્પા અને મસાજ પાર્લરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત સ્પા તથા મસાજ પાર્લરોમાં નશીલા પદાર્થોનું સેવન, દેહવેપાર તેમજ અન્ય ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોવાની બાબતો પોલીસના ધ્યાન પર આવી છે. આવી પ્રવૃત્તિઓને અટકાવવા અને જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ સ્પા અને મસાજ પાર્લરના માલિકો તથા સંચાલકોએ પોતાના ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે રજૂ કરવાની રહેશે. આ વિગતોમાં કર્મચારીઓની કુલ સંખ્યા, તેમના નામ, સરનામા અને ફોટોગ્રાફ સહિતની જરૂરી માહિતીનો સમાવેશ કરવાનો રહેશે.
જાહેરનામા મુજબ, જો કર્મચારી ભારતીય નાગરિક હોય તો તેના હાલના રહેઠાણના સરનામા ઉપરાંત મૂળ વતનના સરનામા તથા ઓળખના માન્ય પુરાવા રજૂ કરવાના રહેશે. જ્યારે વિદેશી નાગરિક કર્મચારીઓના કિસ્સામાં તેમના પાસપોર્ટ અને વિઝાની નકલ સાથે તેઓ કયા પ્રકારના વિઝા પર ભારતમાં આવ્યા છે તેની વિગતો પણ આપવાની રહેશે. આ પ્રક્રિયાનો હેતુ સ્પા અને મસાજ પાર્લરોમાં કામ કરતા કર્મચારીઓની ઓળખ અને રહેઠાણ અંગેની માહિતી પોલીસ ચોપડે ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
વધુમાં, સ્પા અને મસાજ પાર્લરના સંચાલકોએ કર્મચારીઓની તમામ વિગતો સાદા કાગળ પર બે નકલમાં તૈયાર કરીને જે-તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. પોલીસ સ્ટેશન દ્વારા આ વિગતો સ્વીકાર્યા બાદ એક નકલ પર પોલીસનો સિક્કો મેળવી સંચાલકોએ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. આ ઉપરાંત, સ્પા કે મસાજ પાર્લરના માલિક અથવા સંચાલકે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ અથવા ચૂંટણી ઓળખકાર્ડ જેવા ઓળખના પુરાવા પણ રજૂ કરવાના રહેશે.
પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલું આ જાહેરનામું તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૬થી તા. ૦૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી એટલે કે કુલ ૬૦ દિવસ માટે અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન શહેરના તમામ સંબંધિત સ્પા અને મસાજ પાર્લરના સંચાલકોએ જાહેરનામામાં દર્શાવેલી જોગવાઈઓનું પાલન કરી જરૂરી દસ્તાવેજો અને વિગતો નિયત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.
જાહેરનામાની કોઈપણ જોગવાઈ અથવા નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા પોલીસ અધિકારીઓને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે. આમ, શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની કામગીરી વધુ વ્યવસ્થિત અને નિયમબદ્ધ રહે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવી શકાય તે દિશામાં પોલીસ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.









