સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ, આદિવાસી અને છેવાડાના વિસ્તારોમાં વસતા નાગરિકોને તેમના ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ મળી રહે તેવા સરકારશ્રીના અભિગમને વધુ અસરકારક રીતે સાકાર કરવા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં ધન્વંતરી આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટ અને બાઈક મોબાઈલ હેલ્થ યુનિટ જેવી આરોગ્યલક્ષી સેવાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ સેવાઓના ફિલ્ડ લેવલ પરના અમલીકરણને વધુ અસરકારક, ગુણવત્તાયુક્ત અને પરિણામલક્ષી બનાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે ગ્રીન હેલ્થ સર્વિસની ધન્વંતરી આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટની ટીમો તેમજ બોન્ડેડ મેડિકલ ઓફિસરો માટે એક સઘન તાલીમ સત્રનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ દરમિયાન જિલ્લાના આરોગ્ય શાખાના વિવિધ અધિકારીશ્રીઓ દ્વારા આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય આરોગ્ય સેવાઓ, માતૃ અને બાળ કલ્યાણ, પરિવાર કલ્યાણ, ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP), નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP), બિનચેપી રોગો (NCD), ક્વોલિટી એશ્યોરન્સ, સિકલ સેલ રોગ નિયંત્રણ, રક્તદાન સહિતના વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તાલીમમાં માત્ર કાર્યક્રમોની માહિતી જ નહીં, પરંતુ ફિલ્ડ લેવલ પર આરોગ્ય સેવાઓનું અસરકારક આયોજન, લાભાર્થીઓ સુધી સમયસર સેવાઓ પહોંચાડવી, રોગોની વહેલી ઓળખ, યોગ્ય માર્ગદર્શન, રેફરલ સેવાઓ, આરોગ્યલક્ષી રેકોર્ડની જાળવણી તેમજ સરકારશ્રીના વિવિધ આરોગ્ય કાર્યક્રમોનું સુચારુ અમલીકરણ થાય તે બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં એપ્રિલ ૨૦૨૬થી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન મોબાઈલ આરોગ્ય સેવાઓ દ્વારા
મોબાઈલ હેલ્થ યુનિટ: પોશીના, ચિઠોડા, મુડેટી અને ઈડર ખાતે કાર્યરત યુનિટ દ્વારા કુલ ૫૬,૯૨૯ દર્દીઓ,
ધન્વંતરી આરોગ્ય રથ: હિંમતનગર, ઈડર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા ખાતે કાર્યરત આરોગ્ય રથ દ્વારા કુલ ૬૯,૫૯૧ દર્દીઓ અને બાઈક મોબાઈલ હેલ્થ યુનિટ: પોશીના અને વિજયનગરના અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત યુનિટ દ્વારા કુલ ૭,૯૯૫ દર્દીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
આમ, માત્ર સાત મહિનાના સમયગાળામાં કુલ ૧,૩૪,૫૧૫ દર્દીઓને વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો છે. આ સેવાઓ અંતર્ગત જરૂરિયાત મુજબ પ્રાથમિક આરોગ્ય તપાસ, સારવાર, લેબોરેટરી તપાસ સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ખાસ કરીને પોશીના અને વિજયનગર જેવા અંતરિયાળ તથા આદિવાસી વિસ્તારોમાં જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ અને અંતરના કારણે આરોગ્ય સંસ્થાઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે, ત્યાં મોબાઈલ હેલ્થ યુનિટ અને બાઈક મોબાઈલ હેલ્થ યુનિટ આરોગ્ય સેવાઓને લોકોના ઘરઆંગણે પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યાં છે.
આ તાલીમ સત્રમાં કો-ઓર્ડિનેટર તરીકે PM ડૉ. રાકેશ પાંડે તથા PC ડૉ. નિકિતા સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલી તમામ ટીમોની કાર્યક્ષમતા અને ટેકનિકલ ક્ષમતામાં વધારો કરી, સરકારી આરોગ્ય કાર્યક્રમોનો લાભ છેવાડાના માનવી સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા











