બોડેલીની શેઠ ટી.સી. કાપડિયા કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર અને રેલી યોજાઈ, 100થી વધુ NCC કેડેટ્સ જોડાયા

દેશને ટીબી મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા અને લોકોમાં ક્ષય રોગ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે બોડેલીની શેઠ ટી.સી. કાપડિયા કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ સેમિનાર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 100થી વધુ NCC કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જિલ્લા ક્ષય અધિકારી ડૉ. બી.એમ. ચૌહાણે કેડેટ્સને ટીબી રોગનાં લક્ષણો, રોગથી બચવાના ઉપાયો, સમયસર નિદાનનું મહત્વ તેમજ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી મફત સારવાર અને સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જિલ્લા ટીબી-એચઆઈવી કો-ઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવાએ પ્રાસંગિક પ્રવચન આપી ટીબી નાબૂદીના રાષ્ટ્રીય અભિયાનમાં યુવાનોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહેલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એચ.એમ. કોરાટે વિદ્યાર્થીઓને ટીબી મુક્ત ભારતના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા અને આ રાષ્ટ્રીય અભિયાનના સાચા વાહક બનવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પ્રો. સુમનભાઈ રાઠવા, તાલુકા ટીબી સુપરવાઈઝર અજયસિંહ સોલંકી તેમજ NCC યુનિટ વડોદરા બટાલિયનના હવાલદાર સુરેન્દ્રસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર પૂર્ણ થયા બાદ NCC કેડેટ્સ દ્વારા બોડેલી શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. હાથમાં ટીબી વિરોધી સંદેશ આપતાં પ્લેકાર્ડ્સ સાથે કેડેટ્સે ‘ટીબી હારશે, દેશ જીતશે’ સહિતના સૂત્રોચ્ચાર કરી નાગરિકોમાં ટીબી રોગ અંગે જાગૃતિ ફેલાવી હતી. આ રીતે સેમિનાર અને રેલીના માધ્યમથી બોડેલી પંથકમાં ટીબી નાબૂદીનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો અને ટીબી મુક્ત ભારત અભિયાનને જનભાગીદારી સાથે વધુ વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર તોસીફ ખત્રી

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો