પગ કાપ્યા વિના કૃત્રિમ પગની મદદથી સાત વર્ષીય નેત્રને મળ્યું નવું જીવન, સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની ટીમે મેળવી સફળતા

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

અમદાવાદઃ જન્મજાત શારીરિક ખામીના કારણે પગના વિકાસમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા નડિયાદ નજીકના ચકલાસી ગામના સાત વર્ષીય નેત્ર પટેલ માટે અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ આશાનું કિરણ બની છે. વિવિધ સ્થળોએ સારવાર કરાવ્યા બાદ પણ પગ કાપવાની સલાહ મળતાં ચિંતિત બનેલા પરિવારને સંસ્થાના નિષ્ણાત તબીબોએ નવો માર્ગ બતાવ્યો છે. તબીબોની ટીમે પગ કાપ્યા વિના વિશેષ પ્રકારનું કૃત્રિમ અંગ (પ્રોસ્થેસિસ) ફિટ કરીને નેત્રને સ્વતંત્ર રીતે ચાલવા, દોડવા અને શાળાએ જવા સક્ષમ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ નિમિત્તે આ સફળતાની ગાથા અન્ય જરૂરિયાતમંદ પરિવારો માટે પ્રેરણારૂપ બની છે.

 

દર વર્ષે ૫ નવેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ (IPOD) ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૭૦માં ૫ નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ (ISPO)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપના દિવસને આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

 

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક અક્ષમતા ધરાવતા વ્યક્તિઓને કૃત્રિમ અંગો (પ્રોસ્થેટિક્સ) અને સહાયક સાધનો (ઓર્થોટિક્સ)ની મદદથી વધુ આત્મનિર્ભર બનાવવાનો છે. આવી આધુનિક સુવિધાઓ દ્વારા વ્યક્તિની દૈનિક જીવનશૈલી, ગતિશીલતા અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા સાથે આ સેવાઓ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે.

 

વિશ્વ આરોગ્ય સંસ્થાના 5P મોડેલ એટલે કે People-centred care, Policy, Personnel, Products અને Provision પર આધારિત આ ક્ષેત્રમાં વર્ષ ૨૦૨૬ની થીમ ‘PEOPLE’ રાખવામાં આવી છે. આ થીમનો હેતુ દર્દીઓ, તબીબો, સંશોધકો, નિષ્ણાતો અને સંભાળ રાખનારાઓના યોગદાનને ઉજાગર કરવાનો છે.

 

ગુજરાતમાં પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સની આધુનિક સારવાર તથા આ ક્ષેત્રનું શિક્ષણ પૂરું પાડતી એકમાત્ર સરકારી સંસ્થા તરીકે અમદાવાદની ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. સંસ્થા દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને કૃત્રિમ અંગો અને સહાયક સાધનોની મદદથી પુનઃવસનની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

 

પગ કાપવાની સલાહ વચ્ચે પરિવારને મળી નવી આશા

 

નડિયાદ નજીક આવેલા ચકલાસી ગામના રહેવાસી ભૌમિકભાઈ પટેલના સાત વર્ષીય પુત્ર નેત્ર પટેલને જન્મથી જ પગના વિકાસમાં ખામી હતી. બાળકના પગનો એક ભાગ નાનો હતો અને ઘૂંટણનું હાડકું પણ વિકસ્યું ન હતું. તબીબી ભાષામાં આ સમસ્યાને કોન્જેનિટલ લિમ્બ ડેફિશિયન્સી અથવા ફોકલ લિમ્બ ડેફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે.

 

પુત્રની આ શારીરિક સમસ્યાના ઉકેલ માટે પરિવાર દ્વારા અમદાવાદ, વડોદરા, મુંબઈ અને જામનગર સહિતનાં વિવિધ શહેરોમાં નિષ્ણાત તબીબોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, પરિવારના જણાવ્યા અનુસાર, અનેક સ્થળોએથી તેમને બાળકના પગનું એમ્પ્યુટેશન એટલે કે પગ કાપવાની સલાહ આપવામાં આવી હતી. પગ કાપ્યા વિના કૃત્રિમ પગ ફિટ કરવો શક્ય ન હોવાનું જણાવવામાં આવતાં પરિવાર માટે આ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની હતી.

 

પોતાના બાળકનો પગ કપાવવાની ઇચ્છા ન ધરાવતા પરિવારને યોગ્ય સારવાર અને સકારાત્મક ઉકેલની આશા હતી. આ દરમિયાન અમદાવાદની ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણ થતાં તેમણે ત્યાં સંપર્ક કર્યો હતો.

 

નિષ્ણાત તબીબોની ટીમે પગ કાપ્યા વિના ફિટ કર્યું કૃત્રિમ અંગ

 

ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ વિભાગના વડા ડૉ. મિથિલેશ સોની અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા નેત્રની વિગતવાર તપાસ અને તબીબી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બાળકની શારીરિક સ્થિતિ અને પગની રચનાને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રકારનું કૃત્રિમ અંગ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી હતી.

 

તબીબી ટીમે યોગ્ય મૂલ્યાંકન અને ચોક્કસ પદ્ધતિ અપનાવીને બાળકનો પગ કાપ્યા વિના જ ખાસ પ્રકારનું પ્રોસ્થેસિસ ફિટ કર્યું હતું. આ સારવાર બાદ નેત્રની ગતિશીલતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. હવે તે પોતાની જાતે ચાલી શકે છે, દોડી શકે છે, શાળાએ જઈ શકે છે તેમજ સીડીઓ ચઢવા અને ઉતરવા જેવી દૈનિક પ્રવૃત્તિઓ પણ કરી શકે છે.

 

આ સફળતા અંગે ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા યોગ્ય તપાસ, નિદાન અને ચોક્કસ પદ્ધતિ અપનાવીને બાળકનો પગ કાપ્યા વિના વિશેષ પ્રકારનું પ્રોસ્થેસિસ આપવામાં આવ્યું છે. તેના કારણે લિમ્બ ડેફિશિયન્સીના કારણે આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં સફળતા મળી છે. આજે બાળક પોતાની જાતે ચાલી શકે છે, ફરી શકે છે, દોડી શકે છે, શાળાએ જાય છે અને સીડીઓ પણ ચઢી-ઉતરી શકે છે. બાળકમાં જોવા મળતો આત્મવિશ્વાસ અને તેની દૈનિક પ્રવૃત્તિઓમાં આવેલો સુધારો આ સારવારની સફળતા દર્શાવે છે.

 

ખાનગી હોસ્પિટલમાં રૂ. ૧થી ૧.૫ લાખનો ખર્ચ, સરકારી સંસ્થામાં વિનામૂલ્યે સારવાર

 

આધુનિક કૃત્રિમ અંગોની સારવાર સામાન્ય રીતે ખર્ચાળ હોય છે. આવા સંજોગોમાં ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ જરૂરિયાતમંદ પરિવારો માટે મહત્ત્વપૂર્ણ સહાય પૂરી પાડી રહી છે. ડૉ. મિથિલેશ સોનીના જણાવ્યા અનુસાર, આ પ્રકારની સારવાર અને કૃત્રિમ અંગો ખાનગી હોસ્પિટલમાં મેળવવા માટે અંદાજે રૂ. ૧ લાખથી રૂ. ૧.૫ લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. જ્યારે ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં રાજ્ય સરકારના ઉપક્રમ હેઠળ આ સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

 

બાળકોના કિસ્સામાં ઉંમર વધવાની સાથે શરીરનો વિકાસ થતો હોવાથી કૃત્રિમ અંગના કદમાં પણ સમયાંતરે ફેરફાર કરવો જરૂરી બને છે. બાળકની વધતી ઉંમર અને શારીરિક વિકાસને અનુરૂપ પ્રોસ્થેસિસનું રીસાઇઝિંગ, અપડેશન અને મેન્ટેનન્સ કરવું આવશ્યક છે. ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ તમામ સેવાઓ બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, કૃત્રિમ અંગની જરૂરી મરામત અને સમયાંતરે કરવામાં આવતાં ફેરફારોની સુવિધા પણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

 

નેત્રના પિતા ભૌમિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, પુત્રની સારવાર માટે અગાઉ અનેક સ્થળોએ પ્રયાસો કર્યા હતા, પરંતુ પગ કાપ્યા વિના કોઈ ઉકેલ મળ્યો નહોતો. સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની ટીમે યોગ્ય માર્ગદર્શન અને સારવાર આપીને તેમની ચિંતા દૂર કરી છે. સમગ્ર સારવાર પ્રક્રિયા દરમિયાન પરિવારને કોઈ ખર્ચ કરવો પડ્યો નથી. આજે પુત્રને સામાન્ય રીતે ચાલતો, દોડતો અને શાળાએ જતો જોઈને પરિવારને ખૂબ આનંદ અને સંતોષ થાય છે.

 

જરૂરિયાતમંદ દર્દીઓને સરકારી યોજનાનો લાભ લેવા અપીલ

 

ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી ગુજરાત સહિત અન્ય રાજ્યોના પણ અનેક જરૂરિયાતમંદ દર્દીઓને આધુનિક પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ સેવાઓનો લાભ મળી રહ્યો છે. સંસ્થા દ્વારા કૃત્રિમ અંગોની સુવિધા ઉપરાંત સમયાંતરે જરૂરી ફેરફાર, મેન્ટેનન્સ અને પુનઃવસન માટેની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

 

સંસ્થાના તબીબોએ નાગરિકોને અપીલ કરી છે કે તેમની આસપાસ કોઈ વ્યક્તિ જન્મજાત અંગની ખામી અથવા અન્ય પ્રકારની લિમ્બ ડેફિશિયન્સી ધરાવતી હોય તો તેમને અમદાવાદ સ્થિત ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપે. જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી વિનામૂલ્યે આધુનિક સારવારનો લાભ મેળવી શકે.

 

નેત્રની આ સફળતાની ગાથા દર્શાવે છે કે યોગ્ય નિદાન, આધુનિક ટેક્નોલોજી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન અને સમયસર પુનઃવસન દ્વારા શારીરિક પડકારોનો સામનો કરી રહેલા બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. કૃત્રિમ અંગની મદદથી નેત્ર હવે આત્મવિશ્વાસ સાથે પોતાના બાળપણની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યો છે, જે તેના પરિવાર માટે જ નહીં પરંતુ આવી જ પરિસ્થિતિનો સામનો કરતા અનેક પરિવારો માટે આશાનું કિરણ બની શકે છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો