બોડેલીમાં બુકાનીધારી તસ્કરોનો આતંક: એક જ રાતમાં પાંચ સ્થળોએ તાળાં તૂટ્યાં, મકાનમાંથી 10 લાખના દાગીના અને રોકડની ચોરી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં બુકાનીધારી તસ્કરોની ટોળકીએ એક જ રાતમાં દેવીનગર સોસાયટી અને રવિશંકર રોડ પર આવેલા શાક માર્કેટ વિસ્તારમાં પાંચ જેટલા મકાન અને દુકાનોને નિશાન બનાવી તાળાં તોડતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ બંધ મકાનો અને દુકાનોમાં ઘૂસીને ચોરીનો પ્રયાસ કર્યો હતો, જેમાં દેવીનગર સોસાયટીમાં બાબુભાઈ ભગીરથભાઈ પટેલ, યસ અશોકભાઈ દરજી અને રંજનબેન અરવિંદભાઈ પટેલનાં મકાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. જેમાં યસ અશોકભાઈ દરજીના મકાનમાંથી અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે રવિશંકર રોડ પર આવેલા શાક માર્કેટ વિસ્તારમાં મસ્જિદ સામે આવેલી અબ્દુલરહેમાન અલીભાઈ ખત્રીની ચાંદની બેંગલ્સ નામની દુકાનમાંથી આશરે 35 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ ઉપરાંત હમીદાબેન ખત્રીના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આમ, કુલ પાંચ સ્થળોએ તાળાં તોડવામાં આવ્યાં હતાં, જેમાં બે સ્થળોએ તસ્કરો ચોરી કરવામાં સફળ રહ્યા હતા, જ્યારે અન્ય ત્રણ સ્થળોએથી કોઈ કિંમતી સામાન કે રોકડ રકમ હાથ ન લાગતાં ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે. બીજી તરફ વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બુકાનીધારી શખ્સો શંકાસ્પદ હાલતમાં ફરતા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસે તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. શહેરના રહેણાક અને વેપારી વિસ્તારોમાં એક જ રાતમાં પાંચ સ્થળોએ તાળાં તૂટવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, સાથે જ પોલીસ પેટ્રોલિંગ અને શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે સીસીટીવી ફૂટેજના આધારે બોડેલી પોલીસ આ બુકાનીધારી તસ્કરોની ટોળકીને કેટલી ઝડપથી ઝડપી પાડે છે અને શહેરમાં ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવામાં કેટલા અંશે સફળ થાય છે.
રિપોર્ટર તોસીફ ખત્રી
62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો