MORBI:મોરબીમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત પ્રેરણાદાયી ‘લંચ વિથ લાડલી’ કાર્યક્રમ યોજાયો; દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ન રાખી દીકરીઓને સક્ષમ અને પગભર બનાવવા પર ભાર મૂકાય

જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે એ એક કે બે દીકરીઓ ધરાવતા ૧૪ પરિવારોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા; પરિવારો સાથે ભોજન લીધું
દીકરીઓને ખુલ્લું આકાશ આપી તેમનો સર્વાંગી વિકાસ થાય તેવું પૂરતું વાતાવરણ પૂરું પાડવા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેનો અનુરોધ

દીકરીઓના ઉછેર, શિક્ષણ અને તેમના સશક્તિકરણને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા હેતુસર મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો વિશેષ ‘લંચ વિથ લાડલી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લામાં એક અથવા બે દીકરીઓ ધરાવતા ૧૪ જેટલા ઉત્સાહી પરિવારોને વિશેષ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ નાની બાળાઓ સાથે કાલીઘેલી ભાષામાં સંવાદ સાધી સ્નેહ વહાવ્યો હતો તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓ સાથે બપોરનું ભોજન પણ લીધું હતું.
આ પ્રસંગે દીકરીઓના ઘડતર અંગે માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, માતા-પિતાએ દીકરીઓને આગળ વધારવા માટે હંમેશાં મજબૂત સહકાર પૂરો પાડવો જોઈએ. દીકરીઓને ખુલ્લું આકાશ આપી તેમનો સર્વાંગી વિકાસ થાય તેવું યોગ્ય અને પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડવું એ આપણી નૈતિક જવાબદારી છે. દીકરીઓના વિકાસમાં પરિવારની ભૂમિકા અત્યંત મહત્વની છે ત્યારે ક્યારેય પણ દીકરા અને દીકરી વચ્ચે કોઈ બાબતમાં ભેદભાવ રાખવો ન જોઈએ તેવો પણ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મહિલા અધિકારીશ્રીઓએ વાલીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી પગભર બનાવીએ, જેથી ભણેલી દીકરી બે ઘરને તારે છે. આજે દરેક ક્ષેત્રે દીકરીઓ હરણફાળ ભરી રહી છે ત્યારે તેઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તે માટે તેમને સશક્ત અને આત્મનિર્ભર બનાવીએ.

ઉપસ્થિત વાલીઓએ પણ પોતાના પ્રતિભાવ આપતા દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, ભલે તેઓ આજે સફળતાના મુકામ સુધી પહોંચ્યા હોય કે ન હોય, પરંતુ પોતાની દીકરીઓને તેમના સપનાં પૂરા કરવા માટે સવાયું પ્રોત્સાહન આપી ખૂબ આગળ વધારશે.
આ પ્રસંગે મહિલા અધિકારીશ્રીઓ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રશ્મિબેન રાજાવઢા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલબેન વ્યાસ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જલપાબેન ત્રિવેદી, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી કોમલબેન ઠાકર અને દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સીમાબેન શિંગાળા સહિતના અધિકારીશ્રીઓ તથા વાલીઓ અને બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.












