તા.01/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


એસપી કચેરીમાં ભાવુક દ્રશ્યો: કિંમતી દસ્તાવેજો અને ચેક પરત મળતાં પીડિતોએ એસપી પ્રેમસુખ ડેલૂનો આભાર માન્યો, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સક્ષમ માર્ગદર્શન અને માનવતાવાદી અભિગમ હેઠળ જિલ્લામાં ગુનાખોરી અને વ્યાજખોરો સામે લાલઆંખ કરવાની સાથે પીડિતોને ન્યાય અપાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં એસપી કચેરી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ધાંગધ્રા વિસ્તારની બે મહિલાઓ અને એક વેપારીને છેતરપિંડી તથા વ્યાજખોરીના ચક્રવ્યુહમાંથી મુક્ત કરાવી લાખો રૂપિયાના ચેક તેમજ મકાનના દસ્તાવેજો પરત સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસપી કચેરી ખાતે અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ધાંગધ્રા શહેર અને તાલુકા વિસ્તારની બે મહિલાઓ છેતરપિંડીનો ભોગ બની હતી અને તેમના નાણાકીય ચેક તથા મકાનના દસ્તાવેજો પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગેની રજૂઆત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સમક્ષ પહોંચતાં જ તેમણે તાત્કાલિક તપાસના આદેશો આપ્યા હતા. પોલીસની સતર્કતા અને દીર્ઘદ્રષ્ટિને કારણે ધાંગધ્રા કુડા ચોકડી પાસે રહેતા મુમતાજબેન ગફારભાઈ સંધીને ત્રીજા વ્યક્તિ પાસેથી તેમના મકાનના અસલ દસ્તાવેજો પરત અપાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની મહિલાને છેલ્લા ૨૦ વર્ષથી ફસાયેલા રૂ. ૩ લાખની રકમના ત્રણ ચેક પરત અપાવવામાં સફળતા મળી હતી. પોતાના કિંમતી દસ્તાવેજો અને ચેક પરત મળતાં મહિલાઓની આંખોમાં હરખના આંસુ છવાઈ ગયા હતા અને તેમણે સુરેન્દ્રનગર પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બીજા એક મહત્વના કિસ્સામાં, ધાંગધ્રા શહેરના ક્લબ રોડ પર રહેતા વેપારી હિતેશભાઈ જૈનએ વ્યાજે રૂ. ૩ લાખ લીધા હતા. મૂળ રકમ અને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોરો દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજ ચાલુ રાખી દબાણ કરવામાં આવતું હતું. આ મામલાની ગંભીરતા સમજી એસપી પ્રેમસુખ ડેલુએ સંબંધિત અધિકારીઓને નિષ્પક્ષ અને કડક તપાસની સૂચના આપી હતી. પોલીસની સમયસરની દરમિયાનગીરીના પરિણામે વેપારી પાસેથી ગેરકાયદેસર રીતે પડાવી લીધેલા રૂ. ૧૯ લાખની કિંમતના ૧૨ ચેક પરત મેળવી વેપારીને મોટી રાહત આપવામાં આવી હતી અને વ્યાજખોરીના કેસમાંથી મુક્તિ અપાવી ન્યાય સુનિશ્ચિત કરાયો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આ કામગીરીથી ધાંગધ્રા સહિત સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની પ્રજાભિમુખ અને માનવતાવાદી છબી વધુ મજબૂત બની છે, જેને સ્થાનિક રહીશો અને વેપારી મંડળો દ્વારા ભારે સરાહવામાં આવી રહી છે.










