બારડોલી તાલુકાના તરસાડી ચોકડી નજીક આવેલી SHRIGANTEX PROCESSORS PVT. LTD. કંપનીમાં કામ કરતા મજૂરો દ્વારા પગારને લઈને ગંભીર આક્ષેપો સાથે આજે કંપનીના ગેટ બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાથમાં હાથ મિલાવી કામદારોએ **“મજૂર એકતા જિંદાબાદ”**ના નારા લગાવી પોતાની મહેનતના યોગ્ય વેતનની માંગ ઉઠાવી હતી.

કામદારોના જણાવ્યા મુજબ, એક મહિનો પૂર્ણ થયા બાદ પણ સમયસર સંપૂર્ણ પગાર આપવામાં આવતો નથી, જ્યારે કેટલાક કામદારોનો આક્ષેપ છે કે તેઓએ 30 દિવસ કામ કર્યું હોવા છતાં માત્ર 20 દિવસનું જ વેતન ચૂકવવામાં આવે છે. પરિણામે પરિવારનું ગુજરાન ચલાવતા મજૂરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ વિરોધ દરમિયાન આશરે 25થી 30 કામદારો એકસાથે કંપનીના ગેટ બહાર પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. કામદારોના જણાવ્યા મુજબ, આ મુદ્દાથી અસરગ્રસ્ત કામદારોની સંખ્યા આશરે 100થી 110 સુધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કામદારોનો સીધો સવાલ છે—“જો અમે આખો મહિનો પરસેવો પાડીને કામ કર્યું છે, તો અમારી મહેનતના પૂરા રૂપિયા કેમ નહીં?”
કામદારોએ વધુમાં ચીમકી આપી છે કે તેમની મહેનતના બાકી નાણાં અને યોગ્ય વેતનનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રીતે કાયદેસરની કાર્યવાહી અને કોર્ટનો માર્ગ અપનાવશે.
હવે સવાલ એ છે કે મજૂરોના પરસેવાની કમાણી અંગેના આ ગંભીર આક્ષેપોનું કંપની મેનેજમેન્ટ શું સ્પષ્ટીકરણ આપશે? કામદારોના દાવા સાચા છે કે નહીં અને પગાર ચુકવણીમાં કોઈ નિયમભંગ થયો છે કે નહીં, તેની સંબંધિત શ્રમ વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે.
રિપોટર કલ્પેશ ધામેલીયા સુરત










