તારીખ ૧૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ટેમ્પલ ટાઉન તરીકે જાણીતા ડેરોલ ગામમાં આજે પ્રથમ નવરાત્રીથી શ્રી ચામુંડા માતાજીના મંદિરે નવલા નોરતાનો ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે આજે સવારે ચામુંડા માતાજીના મંદિરે ધ્વજારોહણનો ઉત્સવ ભારે ભક્તિસભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કહેવાય છે કે નવરાત્રિના નવ દિવસ માતાજીની હાજરી પૃથ્વી પર હોય છે, ત્યારે આજથી જ માતાજીના દરબારમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. અને આ ચામુંડા મંદિર ડેરોલ ગામનું આસ્થાનું મોટું પ્રતિક છે. આ મંદિરમાં ચોટીલા વાળા માતાજીની આજ્ઞાથી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને કહેવાય છે કે ચોટીલા વાળા માતાજીની મરજીથી જ આ મંદિર એક નાનકડા ડેરામાંથી આજે ભવ્ય મંદિર બન્યું છે. અહીં દર્શનાર્થે આવતા ભક્તોના દુઃખો દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.આ મંદિરમાં શ્રી ચામુંડા મા સાથે મા મેલડી માતાની પણ ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. આજે પ્રથમ નોરતે માતાજીને નવા શણગાર ધરાવી, આરતી ઉતારી ભક્તો દ્વારા ભાવભેર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેને લઈ સમગ્ર ડેરોલ ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.











