*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૩૦મી ઓક્ટોબરે ભીલડીથી પીએમ કિસાન સન્માન નિધિનો ૨૪મો હપ્તો રિલીઝ કરશે; બનાસ ડેરીના પાંચ મોટા પ્રકલ્પોની ભેટ આપશે*
અહેવાલ કલ્પેશ બારોટ 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી દેશના કરોડો ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મો હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રી દ્વારા બનાસ ડેરીના પાંચ મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેમાં મુખ્યત્વે ભીલડી ખાતે ૧૨૭ એકર જેટલા વિશાળ પરિસરમાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) દેશના પશુપાલકો અને કિસાનોના કલ્યાણ અર્થે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. શ્વેત ક્રાંતિની દિશામાં આ પ્રોજેક્ટ દેશભરમાં પશુ સંવર્ધન અને દૂધ ઉત્પાદકતા વધારવા માટે માઈલસ્ટોન સાબિત થશે.
વડાપ્રધાનશ્રીના આગમનને પગલે વહીવટી તંત્ર અને બનાસ ડેરી દ્વારા વ્યાપક સ્તરે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમ પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ભીલડી ખાતે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે નવનિર્મિત ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ પરિસર અને મુખ્ય સભા મંડપની વિઝિટ કરીને ચાલી રહેલી તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્થળ પર હાજર સંબંધિત અધિકારીઓને આયોજન સુચારુ રીતે પાર પડે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા હજારો નાગરિકો, ખેડૂતો અને પશુપાલકો માટે વાહન પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા, પીવાના પાણી અને બેઠક વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ કોઈપણ અડચણ વિના જળવાઈ રહે તે અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ સ્થળ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ, રેન્જ આઈ.જી શ્રી પરીક્ષિતા રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે સહિત જિલ્લા વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા બનાસ ડેરીના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.







