વિજાપુરમાં 3.03 ઇંચ વરસાદથી જળબંબાકાર
સવારથી બપોર સુધી અંધારપટ, ગળનાળાઓ છલકાયા; લાટી બજાર રોડ પર તંત્રના ખાડાઓના કારણે માર્ગ બંધ કરાયો





વિજાપુર, તા.
વિજાપુર શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા 3.03 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શ્રાવણ માસ કોરો રહ્યા બાદ તેમજ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતાં નગરજનોને ગરમીમાંથી રાહત મળી હતી.
સવારથી બપોર સુધી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહેતાં દિવસ દરમિયાન પણ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે શહેરના ગળનાળાઓ છલકાઈ ગયા હતા અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
દરમિયાન લાટી બજાર રોડ પર તંત્ર દ્વારા અગાઉ કરવામાં આવેલી કામગીરીના ખાડાઓ વરસાદને કારણે વધુ મુશ્કેલીરૂપ બન્યા હતા. રસ્તા પર કાદવ અને ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર જોખમી બન્યો હતો. એક વાહન પણ ફસાઈ જતાં માર્ગ પર અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લાટી બજાર રોડને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
જ્યારે ગરીબ નવાજ સોસાયટી માં પાણી ભરાતા સ્થાનિક રહીશો પરેશાની માં મુકાયા હતા. અહીંના સ્થાનીક લોકોએ વરસાદી પાણી ના નિકાલ માટે છેલ્લા દશ વર્ષથી વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી હોવા છતાંય પ્રશ્ન નો નિકાલ કરવામાં પાલિકા વિફળ બની છે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે મેઘમહેર રાહતરૂપ બની છે. શ્રાવણ માસમાં વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતો અને નગરજનોમાં પણ સારો વરસાદ થતાં રાહતની લાગણી જોવા મળી હતી.









