MORBI:મોરબી પીપળીયા ચાર રસ્તા પાસેથી ગેરકાયદેસર દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપાયો

મોરબી તાલુકા વિસ્તારમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અટકાવવા માટે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીપળીયા ચાર રસ્તા પાસેથી એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા મધુરમ ક્લિનિક સામે રોડ પર રેડ કરી હતી.રેડ દરમિયાન પોલીસે દિપેશભાઈ ઉર્ફે સલીમભાઈ ગૌતમભાઈ રાઠોડ (રહે. હાલ નિરૂબેનનગર, પીપળીયા ચાર રસ્તા, તા. માળીયા-મિયાણા) નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી રૂ. ૫,૦૦૦ ની કિંમતનો ૧ નંગ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો.
એસ.ઓ.જી. ટીમે હથિયાર જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી) એ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી, વધુ તપાસ માટે તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આગળની કાર્યવાહી તાલુકા પોલીસ ચલાવી રહી છે.











