HALVAD:હળવદથી યુપી મોકલાયેલ ₹૬ લાખના દાડમ રસ્તામાંથી ગાયબ: ટ્રક માલિક અને ડ્રાઇવર સામે છેતરપિંડીની ફરિયાદ

હળવદથી ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવામાં આવેલો રૂ. ૬,૦૦,૦૦૦ ની કિંમતનો ૧૨ ટન દાડમનો જથ્થો ગંતવ્ય સ્થાને પહોંચાડવાને બદલે રસ્તામાંથી જ ગાયબ કરી દેવામાં આવતા વેપારી આલમમાં ભારે ચકચાર મચી છે. ઓનલાઇન ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન દ્વારા બુક કરાયેલી ટ્રકના માલિક અને ચાલકે વેપારી સાથે વિશ્વાસઘાત કરી ફોન સ્વિચ ઓફ કરી દેતા આખરે મામલો હળવદ પોલીસ મથકે પહોંચ્યો છે.

ફરિયાદી: બલ્કારસિંગ ગુરૂમુખસિંગ ભટ્ટી (ઉં.વ. ૫૦, રહે. ભુજ, કચ્છ – ટ્રાન્સપોર્ટર).આરોપીઓ: પવન કુમાર વિનોદકુમાર બાજપાઈ (ટ્રાન્સપોર્ટર/ટ્રક માલિક) અને મુકેશભાઈ (ટ્રક ડ્રાઇવર) વાહન નંબર: UP-78-JN-5955.મુદ્દામાલ: ૧૨ ટન દાડમ (અંદાજિત કિંમત ₹૬,૦૦,૦૦૦).ગંતવ્ય સ્થાન: રઇન ફ્રુટ કંપની, સીકીગંજ, ગોરખપુર (ઉત્તર પ્રદેશ).
ફરિયાદી બલ્કારસિંગ ભટ્ટીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે ઓનલાઇન એપ્લિકેશન મારફતે ગાડી નંબર UP-78-JN-5955 ભાડે રાખી હતી. આ ટ્રકમાં ૧૨ ટન દાડમ ભરીને ગોરખપુર ખાતે આવેલી ‘રઇન ફ્રુટ કંપની’માં પહોંચાડવાનું નક્કી થયું હતું. જોકે, નિર્ધારિત સમય વીતી જવા છતાં માલ ત્યાં પહોંચ્યો નહોતો.
વેપારીએ તપાસ કરવાનો પ્રયાસ કરતા ટ્રક માલિક પવન કુમાર બાજપાઈ અને ડ્રાઇવર મુકેશભાઈ બંનેએ પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા અને માલ સગેવગે કરી નાસી છૂટ્યા હતા. હળવદ પોલીસે બંને આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.










