તા.17/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્વ ધરાવતા આઇકોનિક સ્થળોને ઝળહળતી રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના મુખ્ય સ્થળો ખાતે કરવામાં આવેલી આ વિશેષ લાઇટિંગથી સમગ્ર પરિસરનું પ્રાકૃતિક અને સ્થાપત્ય સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે. જેમાં સુરેન્દ્રનગરના નયનરમ્ય ટાગોર બાગ, વઢવાણ સ્થિત ઐતિહાસિક હવામહેલ તેમજ તરણેતર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી છે. રાત્રિના સમયે રોશનીથી ઝળહળતા આ તમામ આઇકોનિક સ્થળોનો નજારો અત્યંત આહલાદક અને મનોહર બની ગયો છે.








