તા.17/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


3000થી વધુ સિક્યુરિટી અને વહીવટી તંત્રની હાજરી વચ્ચે સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો, સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ અને પૌરાણિક ધામ તરણેતર ખાતે યોજાતા ભાતીગળ લોકમેળામાં લોકસંસ્કૃતિ અને પરંપરાને લાંછન લગાડતી ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. ઋષિમુનિઓના સમયથી ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભરાતા આ પૌરાણિક મેળામાં જાહેરમાં અશ્લીલ હરકતો કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. તરણેતરનો મેળો માત્ર મનોરંજન નથી પરંતુ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને ઇતિહાસનું પ્રતીક છે. અહીં આવેલ ગંગાકુંડમાં દિવંગત સ્વજનોના અસ્થિ વિસર્જનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ છે. દર વર્ષે મહાદેવજીના મંદિરે પૂજા- અર્ચના કરી ધજા ચડાવીને મેળાનો પ્રારંભ થાય છે, જેમાં ગ્રામીણ ઓલિમ્પિક, પશુ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. વાયરલ વિડીયોમાં અજાણ્યા ઇસમો દ્વારા ગુજરાતી ગીતો વગાડીને જાહેરમાં અશ્લીલ હરકતો અને મર્યાદાહીન ડાન્સ કરવામાં આવતો નજરે પડે છે. નોંધનીય છે કે, અગાઉ પણ મોતના કૂવા નજીક અશ્લીલ ડાન્સના વિડીયો વાયરલ થતાં તંત્રએ આવા કૃત્યો પર પ્રતિબંધ લાદ્યો હતો. આમ છતાં, ચાલુ વર્ષે પુનઃ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થતાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. મેળાની સુરક્ષા અને વ્યવસ્થા માટે ૩૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓનો કાફલો ખડેપગે તૈનાત છે. આટલી મોટી સંખ્યામાં પોલીસ અને અધિકારીઓની હાજરી હોવા છતાં આ પ્રકારના અશ્લીલ કૃત્યો ખુલ્લેઆમ થાય અને તેનો વિડીયો વાયરલ બને તે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. સ્થાનિક શ્રદ્ધાળુઓ અને લોકસંસ્કૃતિના પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે વાયરલ વિડીયોના આધારે અશ્લીલ હરકતો કરનાર તત્વોને તાત્કાલિક શોધીને તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. મેળાની પ્રાચીનતા, ગરિમા અને પૌરાણિકતા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં કડક આયોજન અને સતત પેટ્રોલિંગ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.









