વઢવાણના નગરા ગામે પરિણીતાનું શંકાસ્પદ મોત: PM કરાવ્યા વિના જ ઉતાવળે અંતિમવિધિ કરી દેવાતાં ચકચાર

તા.1709/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

મૃતક પરિણીતાના પિતાએ જોરાવરનગર પોલીસ મથકે તપાસ માટે લેખિત અરજી આપી, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે એક ૨૪ વર્ષીય યુવાન પરિણીતાના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત બાદ સાસરિયાંઓએ પોલીસ તંત્રને અંધારામાં રાખી, પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ ઉતાવળે અંતિમવિધિ કરી નાખતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિણીતાના પિતાને દીકરીના મોત સામે ગંભીર શંકાઓ ઉપસતાં તેમણે જોરાવરનગર પોલીસ મથકે લેખિત અરજી આપીને સમગ્ર બનાવની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, સાયલા તાલુકાના ચડિયાળી ગામે રહેતા પ્રભુભાઈ લઘરાભાઈ વસવેલીયાની ૨૪ વર્ષીય પુત્રી કાજલના લગ્ન દોઢ વર્ષ પહેલાં વઢવાણ તાલુકાના નગરા ગામે રહેતા નિકુલ નભુભાઈ પરાલીયા સાથે થયા હતા. ગત મંગળવારે ૧૫ સપ્ટેમ્બર પ્રભુભાઈની મોટી દીકરીના સસરાએ ફોન કરીને જાણ કરી હતી કે કાજલને કંઈક થઈ ગયું છે અને તે બોલતી નથી. આ સમાચાર મળતાં જ પ્રભુભાઈ નગરા પહોંચ્યા ત્યારે કાજલની અંતિમવિધિની તૈયારીઓ ચાલી રહી હતી. તે સમયે જમાઈએ એવો દાવો કર્યો હતો કે કાજલ ઘરની નાટ સાથે સાડી બાંધીને લટકેલી હાલતમાં મળી આવી હતી. સાસરિયાઓએ પહેલેથી જ તમામ તૈયારીઓ કરી લીધી હોવાથી પિયર પક્ષની હાજરીમાં જ કાજલબેનના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ઉપસ્થિત થયેલા મુખ્ય પ્રશ્નો જેમાં આપઘાત જેવા શંકાસ્પદ કેસમાં સાસરિયાઓએ પોલીસ તંત્રને જાણ કરવાની તસ્દી કેમ ન લીધી? મોતનું સાચું કારણ બહાર ન આવે તે માટે જ પીએમ કરાવ્યા વિના ઉતાવળે અંતિમ સંસ્કાર કરી દેવાયા કે કેમ? પત્નીના મોત જેવા ગંભીર બનાવની જાણ જમાઈ નિકુલે તેના સસરા પ્રભુભાઈને સીધી કરવાને બદલે અન્ય મારફતે કેમ કરાવી? આ તમામ સવાલોને લઈને મૃતકના પિતા પ્રભુભાઈ વસવેલીયાએ જોરાવરનગર પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે અને લેખિત અરજી આપીને આ શંકાસ્પદ મોતના બનાવમાં ઊંડાણ પૂર્વક તપાસ કરી સત્ય બહાર લાવવા માંગ કરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો