તા.17/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ સ્થિત MRL કંપનીમાં શ્રમિકોએ પોતાની પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને હડતાળ પાડી હતી. શ્રમિકોના અચાનક વિરોધને પગલે કંપની પરિસરમાં તંગદિલી સર્જાતા કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટનાની મુખ્ય વિગતો જેમાં શ્રમિકો દ્વારા વેતન વધારો, કામના કલાકોનું નિયમન અને પ્રાથમિક સુવિધાઓ જેવા લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને સ્થાનિક આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે શ્રમિકોના પ્રતિનિધિઓ અને કંપની મેનેજમેન્ટ વચ્ચે મધ્યસ્થી કરીને બેઠક યોજી હતી. ચર્ચાના અંતે કંપની મેનેજમેન્ટે શ્રમિકોના તમામ પ્રશ્નોનું 15 દિવસની અંદર નિરાકરણ લાવવાની લેખિત ખાતરી આપી હતી. કંપની તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ શ્રમિકોએ હાલ પૂરતી હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. શ્રમિક આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આપેલા 15 દિવસના સમયગાળામાં માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરુ કરવામાં આવશે.









