
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ ગામમાં જમીનના સોદાને લઈને એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. જમીન વ્યવહારના મામલે પખાજણ અને જંબુસરના આમ ત્રણ પત્રકારો સામે ખંડણી માંગવા, દબાણ કરવા, ધમકી આપવા અને સોશિયલ મીડિયા તથા અખબાર મારફતે બદનામ કરવાનો ગંભીર આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. તૌસીફ રાજના જણાવ્યા મુજબ, તેમના મિત્રોએ પખાજણ ગામે જમીન વેચાણ રાખી હતી. તે દરમિયાન ઇનાયત સૈયદ નામના વ્યક્તિએ કથિત રીતે કહ્યું કે ગામમાં જમીન ખરીદવી હોય તો પહેલાં મને રૂપિયા આપવા પડશે, નહીં તો જમીનનો દસ્તાવેજ થવા દેવામાં આવશે નહીં. આવેદનમાં જણાવ્યા મુજબ, સતત પૈસાની માંગણી અને દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આવેદનમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇનાયત સૈયદે કથિત રીતે ધમકી આપી હતી કે, જો રૂપિયા નહીં આપવામાં આવે તો તેમના મિત્ર અને એક અખબારના માલિક મારફતે તોસીફ રાજ વિરુદ્ધ સમાચાર છપાવી બદનામ કરવામાં આવશે. આવેદનમાં ઇનાયત સૈયદ, સૈફઅલી સૈયદ અને ગુજરાત મંચ નામના સાપ્તાહિક ન્યૂઝ પેપરના તંત્રી ઈમરાન ઈસ્માઈલ ખીલજીના નામ ઉલ્લેખવામાં આવ્યું છે.

તોસીફએ દાવો કર્યો છે કે આમોદની એક હોટલમાં ઈમરાન ખિલજી એ રૂપિયા માંગ્યા હતા તેમને મહેલ રૂપિયા ન આપતાં તોસીફ વિરુદ્ધ અખબારમાં સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા અને સોશિયલ મીડિયા પર પણ આક્ષેપાત્મક પોસ્ટો મૂકીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. સમગ્ર મામલે તોસીફે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ બાબતો આવેદનપત્રમાં કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે. આક્ષેપોની સત્યતા અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સામે આવશે. આવેદનમાં ખંડણી, ધમકી અને બદનામી જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાથી પોલીસ આ મામલે કેટલી ઝડપથી અને કેટલી નિષ્પક્ષતા સાથે તપાસ કરે છે. તે મહત્વનું બન્યું છે. આવેદનમાં કરાયેલા આક્ષેપોમાં તથ્ય હોઈ તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.









