મહેસાણા ગેલેક્સી પરિવારે પર્યાવરણપ્રેમી રીતે ગણપતિ વિસર્જન કર્યું પૂજા બાદ મૂર્તિની માટી તુલસીના ક્યારામાં, વિસર્જનનું પાણી પણ છોડને અર્પણ કરાશે



વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા ખાતે ગેલેક્સી પરિવાર દ્વારા છેલ્લા પાંચ દિવસથી તન-મન-ધન અને ભક્તિભાવપૂર્વક પૂજવામાં આવેલા શ્રી ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સોસાયટીમાં સ્થાપિત બંને ગણપતિ મૂર્તિઓનું શુદ્ધ પાણીમાં Oગુલાબજળ, કંકુ, અબીલ-ગુલાલ, ચોખા, દૂધ અને ફૂલો અર્પણ કરી ધાર્મિક વિધિ સાથે વિસર્જન કરાયું હતું.
વિસર્જન બાદ મૂર્તિની માટીનો સદુપયોગ થાય તે માટે ગેલેક્સી પરિવાર દ્વારા પર્યાવરણલક્ષી પહેલ કરવામાં આવી છે. મૂર્તિની માટી સોસાયટીના ફ્લેટના સભ્યો પોતાના ઘરે તુલસીના ક્યારામાં તેમજ અન્ય છોડમાં ઉપયોગ કરશે. વિસર્જનનું પાણી પણ તુલસીના ક્યારામાં અર્પણ કરવામાં આવશે.
ગણપતિ દાદા જે માટીમાંથી ઘરે પધાર્યા હતા, એ જ માટી ફરી ઘર-આંગણામાં હરિયાળી અને પવિત્રતાના રૂપમાં જીવંત રહે તેવો સંદેશ ગેલેક્સી પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. ભક્તિ સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવતી આ પહેલની ઉપસ્થિતોએ સરાહના કરી હતી.
આ પ્રસંગે મહેસાણા શહેર મહિલા મોરચાના મહામંત્રી તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણા જિલ્લા યુવા મહિલા સંગઠનના ચેરમેન રોનકબેન પટેલ સહિત ગેલેક્સી પરિવારના સભ્યો જોડાયા હતા.










