MORBI:મોરબીમાં જિલ્લાકક્ષાનો નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ મયુર હોસ્પિટલ ખાતે યોજાશે

રાજકોટ એઈમ્સના ૪૦ જેટલા નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ ટીમ આપશે સેવા
સુચારુ આયોજન માટેની બેઠક કલેકટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ: સાંસદ – એઈમ્સના ડિરેક્ટર કેસરી દેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ
‘નશા મુક્તિ અભિયાન’ને વ્યાપક બનાવવા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત વિવિધ વિભાગોને જોડવાના આયોજનો
મોરબી, તા. ૧૯ સપ્ટેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાનો નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ આગામી તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ના શનિવારે મયુર હોસ્પિટલ ખાતે સવારે ૮:૦૦ કલાકે યોજાશે.
આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પના સુચારુ આયોજન અંગે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને તથા રાજકોટ એઈમ્સના ડિરેક્ટર અને સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન મોરબી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે તે માટે વ્યાપક પ્રચાર-પ્રસાર તથા સુવ્યવસ્થિત આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ એઈમ્સના આશરે ૪૦ જેટલા નિષ્ણાત તબીબો તથા પેરામેડિકલ ટીમ દ્વારા કેમ્પમાં ઉપસ્થિત રહી જરૂરી તબીબી તપાસ, નિદાન અને સારવાર અંગે કરવામાં આવશે.
આ ઉપરાંત, લોકોને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવા માટે મોરબી જિલ્લામાં સુવ્યવસ્થિત ‘નશા મુક્તિ અભિયાન’ની ડ્રાઇવ હાથ ધરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ અભિયાનમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ સામાજિક ક્ષેત્રના પ્રતિનિધિઓને જોડવા અંગે સાંસદશ્રીએ સૂચન કર્યું હતું.

મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનો મોરબી શહેર તથા જિલ્લાના વધુમાં વધુ નાગરિકો લાભ લે તે માટે જરૂરી આયોજન કરવા તેમજ લોકોને કેમ્પ અંગે માહિતગાર કરી પ્રેરિત કરવા ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, મ્યુનિસિપલ કમિશનરશ્રી સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, મેડિકલ કોલેજના ડીનશ્રી ડો. અનિલ બિશ્વાસ, સિવિલ હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો. પ્રકાશ દુધરેજીયા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પવનકુમાર શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ વિવિધ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.









