વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
ટેકનિકલ એનાલિસિસ, CCTV અને હ્યુમન સોર્સની મદદથી વઘઈ પોલીસની ટીમે ચોરીનો ભેદ ઉકેલ્યો..
ડાંગ જિલ્લાનાં વઘઈ પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના સમયે કરિયાણાની દુકાનનું તાળું તોડી રોકડ રકમ તેમજ સિગારેટના જથ્થાની ચોરી કરનાર ત્રણ આરોપીઓને વઘઇ પોલીસની ટીમે અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડ્યા છે.આરોપીઓ પાસેથી રોકડ સહિત કુલ રૂ.1 લાખ 35 હજાર થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.મળતી માહિતી મુજબ, તા.16/08/2026ના રોજ રાત્રિના સમયે કરિયાણાની દુકાનના દરવાજા ઉપરનું તાળુ તોડી અજાણ્યા શખ્સોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની સિગારેટના પેકેટ તેમજ ગલ્લામાં રાખેલી રોકડ રકમની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વઘઈ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક કે. આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ મથકનાં પી.આઈ.એ.એ.ચાવડાની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.વઘઈ પોલીસ મથકના પી.આઈ.એ.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારના CCTV કેમેરાની તપાસ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ મારફતે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન આરોપીઓ અંકલેશ્વર ખાતે હોવાની માહિતી મળતા વઘઇ પોલીસની ટીમે ત્યાં પહોંચી ત્રણેયને ઝડપી પાડ્યા હતા.વઘઇ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી આદિલ પઠાણ અગાઉ ફરિયાદીની દુકાનમાં થોડા સમય માટે નોકરી કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું હતુ.દુકાન તથા આસપાસના વિસ્તારની જાણકારીનો લાભ લઈ તેણે સાથીદારો સાથે મળી ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.વઘઇ પોલીસે આરોપીઓ પાસેથી રૂ.65,000ની રોકડ,રૂ.13,700ની કિંમતનો સિગારેટનો જથ્થો તથા રૂ,57,000નાં ત્રણ સ્માર્ટ મોબાઇલ સહિત કુલ રૂ. 1,35,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.હાલમાં ત્રણેય આરોપીઓમાં મોહમ્મદ આદિલખાન ઉસ્માનખાન પઠાણ, અમન અબ્બાસભાઈ સૈયદ,ખાનજાદા મોહમ્મદ સમીર અબ્દુલ મજીદનાંઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..










