અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી SOGનું દિલધડક ઓપરેશનઃ પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો – પીછો ફાયરિંગની ઘટના..!! બે શખ્સો ફરાર,278.77 કિલો પોશડોડા સહિત અંદાજે રૂ.50.01 લાખનો મુદ્દામાલ જપ્ત
નવી શીણોલ પાસે પોલીસ પર ફાયરિંગના પ્રયાસનો દાવો, SOG PIએ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
278.77 કિલો પોશડોડા સહિત અંદાજે રૂ.50.01 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે SOG પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધનસુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નવી શીણોલ ગામની સીમમાં નાઈટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કાળા રંગની સ્કોર્પિયોનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમિયાન સ્કોર્પિયોમાં સવાર શખ્સે પિસ્તોલથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે. જેના પગલે SOG PI પી.બી. ચૌધરીએ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, SOGની ટીમ નવી શીણોલ ગામની સીમમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શીકા રોડ તરફથી કાળા રંગની સ્કોર્પિયો શંકાસ્પદ હાલતમાં આવતી જોવા મળી હતી. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડી રોકવાને બદલે પુરઝડપે કિશોરપુરા ચોકડી તરફ હંકારી હતી. SOGની ટીમે સ્કોર્પિયોનો પીછો કરી આગળ નાકાબંધીમાં રહેલા પોલીસ સ્ટાફને જાણ કરી હતી.
પોલીસે રસ્તો બ્લોક કરતાં સ્કોર્પિયો ચાલકે રિવર્સમાં ગાડી હંકારી શીકા ચોકડી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સરકારી વાહન સાથે સ્કોર્પિયોની ટક્કર થતાં ગાડી રોડની નીચે ઉતરી ગઈ હતી. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, સ્કોર્પિયોમાં બે શખ્સો સવાર હતા. જેમાંથી એક શખ્સે પિસ્તોલ કાઢી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતાં SOG PI દ્વારા બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને શખ્સો સ્કોર્પિયો છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી મેગેઝિન, બે જીવતા કારતૂસ અને મોબાઇલ ફોન મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
278.77 કિલો પોશડોડા ઝડપાયો સ્કોર્પિયોની તપાસ દરમિયાન પોલીસને પોશડોડા ભરેલા 16 કોથળા મળી આવ્યા હતા પોલીસના જણાવ્યા મુજબ, પોશડોડાનું કુલ વજન 278.77 કિલોગ્રામ છે, જેની અંદાજિત કિંમત રૂ.41.81 લાખ છે.આ ઉપરાંત આશરે રૂ.8 લાખની સ્કોર્પિયો કાર, બે મોબાઇલ ફોન, મેગેઝિન, બે જીવતા કારતૂસ તથા અલગ-અલગ નંબરની નંબર પ્લેટો સહિત કુલ આશરે રૂ.50.01 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે
ઘટના બાદ ફરાર બંને શખ્સોને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. LCB અને SOGની બે-બે ટીમો બનાવી રાજસ્થાન બોર્ડર પર નાકાબંધી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક ટેકનિકલ પુરાવા પણ હાથ લાગ્યા છે અને પ્રાથમિક તપાસમાં આરોપીઓ સાંચોર તરફના વિસ્તારના હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, આ જ ગેંગ દ્વારા અગાઉ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલ ફરાર આરોપીઓની શોધખોળ સાથે પોશડોડાની હેરાફેરી પાછળના સમગ્ર નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છ
જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, અફીણમાંથી રસ કાઢ્યા બાદ જે મટીરિયલ બાકી રહે તેને પોશડોડા તરીકે ઓળખવામાં આવે છે અને તેનો નશા માટે ઉપયોગ થતો હોવાનું જણાવાયું છે. અરવલ્લી જિલ્લામાં આ મટીરિયલનું ઉત્પાદન થતું હોવાનું હાલ સામે આવ્યું નથી, જ્યારે સાંચોર તરફના વિસ્તારમાં તે મળી આવતું હોવાની પોલીસને માહિતી છે.હવે ફરાર બંને શખ્સો ઝડપાયા બાદ પોશડોડાની હેરાફેરીના આ નેટવર્કના વધુ તાર બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું.









