અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મોડાસામાં આશ્રિત બાળાઓ માટે સેવાકીય કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ‘સેવા મેરા યોગદાન’ ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં વિવિધ જનસેવા તથા સમુદાયલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની વિવિધ સંસ્થાઓમાં આશ્રય મેળવી રહેલા બાળકો, વૃદ્ધો, દિવ્યાંગજનો તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓ સાથે સેવાભાવપૂર્વક જોડાઈ તેમને જરૂરી સહાય, સુવિધા તથા સામાજિક આત્મીયતા પૂરી પાડવાના હેતુસર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અન્વયે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મોડાસા ખાતે મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી જયશ્રીબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્થામાં આશ્રિત બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે એજ્યુકેશન કીટ તથા હાઇજિનિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, બાળાઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુસર વક્તૃત્વ તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળાઓને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.કાર્યક્રમના ભાગરૂપે આશ્રિત બાળાઓ માટે પૌષ્ટિક, ગુણવત્તાસભર તથા તેમની ઉંમર અને આરોગ્યને અનુરૂપ તિથિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આશ્રિત બાળાઓમાં સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાના વિકાસને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમને આત્મીયતા અને સહકારની અનુભૂતિ કરાવવાનો રહ્યો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી, અરવલ્લી, સમાજ સુરક્ષા અધિકારી, ચીફ ઓફિસર બાળ કલ્યાણ સમિતિના પ્રમુખ તથા સભ્યઓ, જે.જે.બી.ના સભ્યઓ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા સ્ટાફ, ચાઇલ્ડ હેલ્પલાઇન સ્ટાફ, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સનો સ્ટાફ તેમજ સંસ્થામાં આશ્રિત બાળાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.










