
ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા, બોડેલી ખાતે વિદ્યાર્થીઓને કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક અને યોગ્ય પ્રાથમિક મદદ કેવી રીતે આપવી તે અંગે માર્ગદર્શન આપવા માટે ‘First Responder’ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલ, બોડેલીના અધિક્ષક ડો .મહંમદ હુસૈન ખત્રી ના માર્ગદર્શન હેઠળ ડૉ. ગોવિંદભાઈ, હોસ્પિટલ સ્ટાફ દીપકભાઈ તથા પ્રદીપભાઈ એ વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ અથવા તબીબી સહાય પહોંચે તે પહેલાં કટોકટીની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તે અંગે વ્યવહારુ તથા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
તાલીમ દરમિયાન આગથી દાઝી જવાની ઘટના બને ત્યારે તાત્કાલિક કઈ પ્રાથમિક કાર્યવાહી કરવી, સાપ કરડવાની ઘટના બને ત્યારે યોગ્ય પગલાં કયા લેવા, વિદ્યાર્થી અચાનક બેભાન થઈ જાય ત્યારે કેવી રીતે મદદ કરવી, ખેંચ (Seizure) આવે,પૂર ની પરિસ્થિતિ થાય ત્યારે કઈ સાવચેતી રાખવી વગેરે બાબતો સમજાવવામાં આવી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને CPR (Cardiopulmonary Resuscitation) પ્રક્રિયા અંગે પણ પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી .
તબીબી ટીમ દ્વારા વિવિધ કટોકટીની પરિસ્થિતિઓના ઉદાહરણો આપી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ મુશ્કેલીના સમયે ગભરાયા વિના યોગ્ય નિર્ણય લઈ શકે અને જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર પ્રાથમિક મદદ પૂરી પાડી શકે.શાળાના વિદ્યાર્થીઓએ તાલીમ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર એમ.એસ.માસ્ટર દ્વારા સરકારી હોસ્પિટલ, બોડેલીની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર તોસીફ ખત્રી










