MORBI:મોરબીમાં પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશ સામે ગંભીર સવાલો: માત્ર નાના વેપારીઓ સામે જ દંડાત્મક કાર્યવાહી કેમ? મોટા હોલસેલરોના ગોડાઉનો પર ક્યારે તવાઈ?

MORBI:મોરબીમાં પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશ સામે ગંભીર સવાલો: માત્ર નાના વેપારીઓ સામે જ દંડાત્મક કાર્યવાહી કેમ? મોટા હોલસેલરોના ગોડાઉનો પર ક્યારે તવાઈ?

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાં અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે શરૂ કરાયેલી કડક ઝુંબેશ હાલ વિવાદ અને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પાલિકાની ટીમ દ્વારા શહેરભરમાં નાના લારી-ગલ્લાવાળા અને છૂટક વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેને પગલે સ્થાનિક વેપારી આલમ તેમજ જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ સાથે પાલિકાની બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.

નાના વેપારીઓ સામે દંડો, મોટા માથાઓને છાવરવામાં આવે છે?

શહેરીજનો અને સ્થાનિક વેપારીઓનો સીધો આક્ષેપ છે કે, પાલિકાની ટીમ માત્ર રોડ-રસ્તા પર રોજનું કમાઈને ખાતા નાના ફેરિયા, શાકભાજીની લારીઓ અને છૂટક દુકાનદારોને જ નિશાન બનાવી રહી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક જો ગેરકાયદે છે, તો શહેરમાં તેનો સપ્લાય કરનારા મોટા હોલસેલ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સામે હજુ સુધી તપાસ કેમ હાથ ધરવામાં આવી નથી?

ગોડાઉનોમાં તપાસની પ્રબળ માંગ

સ્થાનિક વર્તુળોમાંથી ઉઠેલી ચર્ચા મુજબ મોરબીના વિવિધ બજારો તેમજ ગોડાઉનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો સંગ્રહાયેલો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. છતાં પાલિકાની ટીમ આવા ગોડાઉનો કે મોટા વેપારીઓની દુકાનો સુધી કેમ પહોંચતી નથી? જો મૂળ સપ્લાય જ બંધ ન થાય તો માત્ર છૂટક વેપારીઓ પાસેથી દંડ વસૂલીને પ્લાસ્ટિક મુક્ત શહેર કઈ રીતે બનશે?

આખી સપ્લાય ચેઇન તોડવી જરૂરી

જાણકારોના મતે પ્લાસ્ટિક પ્રતિબંધનો અસરકારક અમલ માત્ર ત્યારે જ શક્ય બને જ્યારે ઉત્પાદન, હોલસેલ સપ્લાય, ગોડાઉન સ્ટોરેજ અને છેલ્લે છૂટક વેચાણ—આ તમામ કડીઓ પર એકસાથે અને સમાન ધોરણે કાર્યવાહી થાય. મૂળ સ્ત્રોત (હોલસેલર્સ) સુધી પહોંચ્યા વગર માત્ર નાના વેપારીઓને દંડવો એ પક્ષપાતી વલણ દર્શાવે છે.

હવે સૌની નજર મોરબી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર પર ટકેલી છે કે શું પાલિકા નાના વેપારીઓ પૂરતી સીમિત કામગીરીથી આગળ વધીને હોલસેલ ગોડાઉનો પર ત્રાટકશે? કાયદો દરેક માટે સમાન છે તેવો દાખલો તંત્ર ક્યારે બેસાડશે તે જોવું રહ્યું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો