વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર, DDO અને જિલ્લા પોલીસ વડાએ લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન’ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આહવા ખાતે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય, નાગરિકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધે અને માર્ગ સલામતીના નિયમોના અસરકારક અમલને પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાયેલી આ રેલીને ડાંગ જિલ્લાના ધારાસભ્ય તથા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિરામભાઈ સાંવત, જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષકશ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ સહિતના અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત TRB, હોમગાર્ડ, GRD તથા વન વિભાગના આશરે ૧૦૦ જેટલા જવાનો-અધિકારીઓ તેમજ શાળા-કોલેજના આશરે ૬૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા. બાઈક રેલી દ્વારા આહવા શહેરમાં માર્ગ સલામતી અંગે નાગરિકોને વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા.
હેલ્મેટથી લઈને નશામાં ડ્રાઇવિંગ સુધી જાગૃતિ
રેલી દરમિયાન ‘માર્ગ સલામતી સૌની જવાબદારી’, ‘હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરો’, ‘સીટબેલ્ટ પહેરો’, ‘વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરો’, ‘ટ્રાફિક નિયમોનું પાલન કરો’, ‘ઓવર સ્પીડ ટાળો’ અને ‘નશાની હાલતમાં વાહન ન ચલાવો’ જેવા સંદેશાઓ સાથેના બેનરો, પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
અકસ્મતગ્રસ્ત વ્યક્તિને મદદરૂપ થવા અને ‘રાહવીર’ બની માનવજીવન બચાવવા અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા જણાવાયું હતું કે, માર્ગ અકસ્માતો અટકાવવાની જવાબદારી માત્ર પોલીસ તંત્રની નથી, પરંતુ દરેક નાગરિકની છે. દરેક વ્યક્તિ ટ્રાફિક નિયમોનું પાલન કરે તો પોતાનું તેમજ અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવી શકાય છે. રેલી દ્વારા ‘સુરક્ષિત સફર–સુરક્ષિત જીવન’નો મહત્વપૂર્ણ સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.










