બોડેલી તાલુકાના ચલામલી ગામે શ્રી ગણેશ જનરલ સ્ટોર નામની અનાજ કરિયાણાની દુકાનને કોઈ અજાણ્યા શખ્સે મોડી રાત્રે પેટ્રોલ છાંટીને સળગાવી દીધાની ઘટના સામે આવી છે, જેમાં દુકાનમા રહેલો અંદાજે દોઢથી બે લાખ રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. બનાવની વિગતો મુજબ, દુકાનદાર ભલાભાઈ તડવી ગતરોજ રાત્રે પોતાના ઘરેથી સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા હતા તે દરમિયાન દુકાનમાંથી ધુમાડો નીકળતો જણાતા તેમણે પાડોશમાં રહેતા કિરણભાઈને જાણ કરી હતી. કિરણભાઈએ સ્થળ પર જઈ તપાસ કરતા આગ લાગી હોવાનું માલૂમ પડ્યું હતું, જેથી ગ્રામજનોની મદદથી પાણી છાંટીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. દુકાનના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શખ્સ દ્વારા શટર પર અને શટરની અંદર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાડવામાં આવી હોવાનું સ્પષ્ટપણે કેદ થયું છે, ત્યારે ભોગ બનનાર દુકાનદાર દ્વારા આ અજાણ્યા શખ્સ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સખત માંગ ઉઠાવવામાં આવી છે.