MORBI:મોરબી વિદેશી દારૂના ધંધાર્થી સામે ‘પાસા’નું શસ્ત્ર ઉગામ્યું, આરોપીને સુરતની લાજપોર જેલ હવાલે કરાયો

મોરબી જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંગ્લિશ દારૂના ગુનાઓમાં સંડોવાયેલા એક બુટલેગર સામે મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ‘પાસા’ (PASA) હેઠળ દરખાસ્ત તૈયાર કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા કચ્છના બુટલેગર દિપેશ ઉર્ફે રાહુલ પુંજાભાઇ ધનાભાઇ પટણી (ઉં.વ. ૩૭, રહે. ચીત્રોડ, તા. રાપર, જિ. કચ્છ) વિરુદ્ધ મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્તને મંજૂરી આપી આરોપી વિરુદ્ધ લાજપોર મધ્યસ્થ જેલ (સુરત)નું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. દરમિયાન, આરોપી ગળપાદર જેલમાંથી જામીન મુક્ત થતાં જ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમે તાત્કાલિક તેની અટકાયત કરી હતી. ત્યારબાદ તેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી, કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.











