સાઠંબા તાલુકાના રૂપનગર ગામે આવેલ તળાવની ગંદકીથી લોકો ત્રાહિમામ

કિરીટ પટેલ બાયડ

રૂપનગર ગામે તળાવની ભયંકર ગંદગી અને પાણીની હાલાકીથી ગ્રામજનો ત્રાહિમામ્: ‘નલ સે જલ’ યોજના માત્ર કાગળ પર!

સાઠંબાતાલુકાના રૂપનગર ગામે તંત્રની ઉદાસીનતા અને બેદરકારીના કારણે ગ્રામજનો નરકાગાર જેવી સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે. ગામની માનવ વસ્તી પાછળ આવેલા મુખ્ય તળાવમાં ફેલાયેલી ભયંકર ગંદગી અને તેના કારણે મારતી અસહ્ય દુર્ગંધથી આજુબાજુના રહીશોનું જીવવું દુર્લભ બની ગયું છે. જનોના જણાવ્યા અનુસાર, તળાવના આ દૂષિત અને સડેલા પાણીના લીધે આસપાસના વિસ્તારના બોર અને કૂવાઓમાં પણ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. જેના કારણે ગામમાં કોલેરા, ટાઈફોડ અને મેલેરિયા જેવા ગંભીર પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સતત આવતી દુર્ગંધના કારણે લોકો પોતાના ઘરોમાં પણ ચેનથી બેસી શકતા નથી

‘નલ સે જલ’ યોજના પણ શોભાના ગાંઠિયા સમાન:

સરકાર દ્વારા દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે રૂપનગર ગામે ‘નલ સે જલ’ યોજના ગ્રામજનો માટે મજાક સમાન સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત ગામે ઢાંકણું કે સંપ તો બનાવી દેવામાં આવ્યો છે અને તેમાં પાણી પણ આવે છે, પરંતુ ગ્રામજનોના ઘર સુધી પાણી પહોંચાડવા માટેની મોટર કે પંપિંગ જેવી કોઈ જ પાયાની વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે, સંપમાં પાણી હોવા છતાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

સ્થાનિક ધારાસભ્યના હોમ ગ્રાઉન્ડ પર જ લાપરવાહી:

ખાસ બાબત એ છે કે આ વિસ્તાર બાયડ-માલપુરના લોકપ્રિય ધારાસભ્યનું હોમ ગ્રાઉન્ડ હોવા છતાં, ગ્રામજનોની આ ગંભીર સમસ્યા તરફ આંખઆડા કાન કરવામાં આવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં આજદિન સુધી આ સમસ્યાનું કોઈ જ કાયમી નિરાકરણ આવ્યું નથી.

રૂપનગર ગામના જાગૃત નાગરિકો અને ગ્રામજનોએ તંત્ર અને સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે તળાવની સફાઈ કરાવવા, દૂષિત પાણીની સમસ્યા હલ કરવા અને ‘નલ સે જલ’ યોજનાને કાર્યરત કરી પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરી છે. જો આગામી સમયમાં યોગ્ય પગલાં નહીં ભરાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો