નવી દિલ્હી : મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરમાં ગેરરીતિ, વોટચોરીના આરોપોથી ઘેરાયેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા, ફરિયાદ દાખલ કરી ધરપકડ અને તપાસ સહિતની માગણી સાથે દેશમાં અનેક સ્થળે દેખાવો થયા હતા. આંદોલન માટે પ્રખ્યાત દિલ્હીના જંતર મંતરે મોટી સંખ્યામાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો એકઠા થયા હતા. જ્યારે દેશમાં જુદા જુદા સ્થળે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરાયા હતા.
શુક્રવારે વિવિધ રાજ્યોની રાજધાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ચૂંટણી કમિશનની ઓફિસ તરફ રેલી કાઢવા પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓની વચ્ચે જ અટકાયત કરવામાં આવી હતી. જ્યારે દિલ્હીના જંતર મંતરે પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. ડાબેરી પક્ષોના વિદ્યાર્થી સંગઠનો, અન્ય નાગરિક સંસ્થાઓ વગેરે મોટી સંખ્યામાં જંતર મંતરે એકઠા થયા હતા. પોલીસ દ્વારા બાદમાં પ્રદર્શનકારીઓ નેહા બોરા, યોગેન્દ્ર યાદવ, સીપીઆઇએમએલના દિપાંકર ભટ્ટાચાર્ય વગેરેની અટકાયત કરાઇ હતી. પોલીસ સ્ટેશનમાંથી વીડિયો મેસેજ જારી કરીને નેહાએ કહ્યું હતું કે પોલીસે ખરેખર જ્ઞાનેશ કુમારની ધરપકડ કરવી જોઇએ તેના બદલે વિદ્યાર્થીઓને પકડી રહી છે જે શરમજનક છે.
જ્યારે કોંગ્રેસ દ્વારા દિલ્હીથી પટના, કોલકાતા, જમ્મુ, પંજાબ, આસામ,ચંડીગઢ, અરુણાચલ સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનો કરાયા હતા. દિલ્હીમાં ઉગ્ર પરિસ્થિતિ જોવા મળી હતી, કોંગ્રેસના નેતાઓએ પોલીસના બેરિકેડ્સ ઉખાડીને ચૂંટણી કમિશનની ઓફિસ તરફ જવા પ્રયાસ કર્યો હતો. કેટલાકે જ્ઞાનેશ કુમારના પુતળા સાથે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. પટણા, આસામમાં પ્રદર્શનકારીઓ પર વોટર કેનનો મારો ચલાવાયો હતો. મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચૂંટણી કમિશનની ઓફિસનો ઘેરાવ કરવા પ્રયાસ કર્યો હતો. મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરમાં જ્ઞાનેશ કુમારે મનમાની કરીને વોટ ચોરી કરવામાં ભાજપને મદદ કરી સહિતના આરોપો સાથે વિપક્ષ દ્વારા આ વિરોધ પ્રદર્શનો કરાઇ રહ્યા છે. અગાઉ બે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ, વિવેક જોશીએ એસઆઇઆરમાં ૧૦ મહિનામાં ૧૪ વખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે તેમણે જે પણ મુદ્દા સામે વાંધો ઉઠાવ્યો તેના પર ધ્યાન ના અપાયું કે તેમની જાણ બહાર જ નિર્ણયો લેવાઇ ગયા હતા. જેમાં મતદારો માટેનું ફોર્મ-૬ રાતોરાત બદલી નખાયું વગેરેનો સમાવેશ થાય છે.
વિપક્ષે માગ કરી છે કે એસઆઇઆરની પ્રક્રિયામાં જે પણ નિર્ણયો લેવાયા કે આદેશ અપાયા તેની સ્વતંત્ર તપાસ કરવામાં આવે, જ્ઞાનેશ કુમાર સામે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવે. જ્યારે જેન-ઝીમાં જાણીતી કોકરોચ જનતા પાર્ટીના અભિજિત દિપકેએ વિપક્ષને કહ્યું છે કે તેઓ અગાઉથી જ ફિક્સ ધાંધલીવાળી ચૂંટણીઓમાં ભાગ જ ના લે, વિપક્ષના ભાગ લેવાથી એવો સંદેશો જાય છે કે આ ચૂંટણી સ્વતંત્ર અને પારદર્શી રીતે યોજાઇ છે.
કોકરોચ જનતા પાર્ટીએ પણ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જ્યારે ભાજપના સાથીપક્ષ એલજેપી, ટીડીપી અને આરએલએમએ પણ કહ્યું છે કે જે પણ રિપોર્ટ સામે આવ્યો તેને જોતા લાગી રહ્યું છે કે ચૂંટણી પંચે એસઆઇઆર પ્રક્રિયાના આરોપો અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, આરએલએમના ઉપેન્દ્ર કુશવાહાએ પણ જે સવાલો ઉઠી રહ્યા છે તેનો જવાબ માગ્યો છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલે અરજી થઇ છે, જેમાં અરજદારે માગ કરી છે કે ચૂંટણી કમિશનમાં તમામ કમિશનરો દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવો ફરજિયાત છે, જ્યારે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા જ તમામ નિર્ણયો લેવાયા જેની સાથે અન્ય બે કમિશનર સંમત નહોતા. તેથી જ્ઞાનેશ કુમાર દ્વારા લેવાયેલા નિર્ણયો, આદેશો કે સોફ્ટવેરમાં કરાયેલા સુધારા તમામ રદ કરવામાં આવે અથવા શૂન્ય જાહેર કરવામાં આવે. કેમ કે આ તમામ નિર્ણયો હવે ગેરબંધારણીય ગણાય, મુખ્ય ચૂંટણી કમિશનરે સત્તા બહાર જઇને આ નિર્ણયો લીધા છે.











