Rajkot: ગોંડલ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો

તા.૨૬/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનો પોતાનું કર્તવ્ય નિભાવે: કેન્દ્રીય મંત્રીશ્રી

બી.આર.સી. આયોજિત તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાના વિજેતા તથા સહભાગી બાળકોને બિરદાવતા કેન્દ્રીય મંત્રીશ્રી

Rajkot: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગોંડલ ખાતે આવેલી મહારાજાશ્રી ભગવતસિંહજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને સીધો સંવાદ સાધ્યો હતો

યુવાનોને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, કોલેજ કાળ એ માત્ર ડિગ્રી મેળવવાનો સમય નથી, પરંતુ વ્યક્તિ નિર્માણ અને ઘડતરનો સુવર્ણ સમય છે. દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા બાદ હવે દેશ શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ ૨૫ વર્ષનો સમયગાળો ‘અમૃતકાળ’ છે. આ અમૃતકાળના સાચા સારથી આજના યુવાનો છે અને યુવાનોની મહેનતથી જ વિકસિત ભારત બનાવવાનું છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી દેશ સમક્ષ પાંચ પ્રણ મૂક્યા છે; જેમાં વિકસિત ભારતનો સંકલ્પ, ગુલામીની માનસિકતામાંથી મુક્તિ, આપણી ભવ્ય વિરાસત પર ગર્વ, ૧૪૦ કરોડ દેશવાસીઓની એકતા અને નાગરિકો દ્વારા કર્તવ્ય પાલનનો સમાવેશ થાય છે.

મંત્રીશ્રીએ ધોળાવીરાની પ્રાચીન સંસ્કૃતિ, નગર આયોજન અને જળ સંચય તથા ગોંડલના મહારાજા ભગવતસિંહજીના ઉત્તમ ટાઉન પ્લાનિંગનું ઉદાહરણ આપી આપણી ભવ્ય વિરાસત પર ગૌરવ લેવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.

યુવાનો માટે કેન્દ્ર સરકારના પ્રયાસો અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન તથા સેવાકીય પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય પ્રવાહમાં યુવાનોની સહભાગિતા વધારવા માટે ‘માય ભારત’ (MY Bharat) ડિજિટલ પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યું છે, જે યુવા શક્તિને નવી દિશા આપી રહ્યું છે. પ્રશ્નોત્તરી સત્રમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘AI મિશન’ હેઠળ ૧ કરોડ યુવાનોને તાલીમ અપાશે. તેમણે સ્ટાર્ટઅપ પોલિસી, ઇનોવેશન સહાય અને મુદ્રા લોન જેવી ઉદ્યોગસાહસિકતા યોજનાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી. આ ઉપરાંત, ‘ખેલ મહાકુંભ’ અને ‘ખેલો ઇન્ડિયા’ થકી રમત ક્ષેત્રે કારકિર્દી ઘડવા પર ભાર મૂકી તેમણે યુવાનોને નશામુક્તિ અને સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈ ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ કેળવવા માર્ગદર્શિત કર્યા હતા.

ગોંડલ ખાતે બી.આર.સી. આયોજિત ’૨૫ કરોડ બાળકોનાં સપનાનું ભારત’ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ ઉપસ્થિત રહી વિજેતા તથા સહભાગી બાળકોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે તેમણે પોતાના શાળા જીવનનો સંસ્મરણ યાદ કરતાં જણાવ્યું હતું કે, વક્તૃત્વ સ્પર્ધા મંચ પર ઊભા રહીને હિંમતપૂર્વક પોતાના વિચારો રજૂ કરવાની કળા શીખવે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બાળકો જેમ વધુ બોલશે અને અભિવ્યક્ત થશે, તેમ તેમ તેમની વિચારશક્તિ, સમજ અને આત્મવિશ્વાસ વધશે; જે તેમને ભવિષ્યમાં ઉદ્યોગ, કલા, સાહિત્ય કે શિક્ષણ સહિતના ક્ષેત્રે ઉત્તમ નાગરિક અને કુશળ લીડર તરીકે ઘડવામાં મદદરૂપ બનશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ગીતાબેન જાડેજા, અગ્રણીશ્રી મનિષાબેન ગોવાણી, પ્રાંત અધિકારી શ્રી પારસ વંડા સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો