MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા – અંતર્ગત સ્વચ્છતા માર્શલ દ્વારા તમામ વોર્ડમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે સઘન ડ્રાઈવ હાથ ધરાઈ

શહેરના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં પ્લાસ્ટિક પ્રતિબંધનું કડક અમલીકરણ: ૬૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી નિયમભંગ કરનારાઓ પાસેથી ફુલ રૂ. ૫૩,૬૦૪/- ની પેનલ્ટી વસૂલ કરાઈ

મોરબી મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજ્ય અને દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા – ૨૦૨૬’ રાષ્ટ્રીય મહાઅભિયાન અંતર્ગત મોરબી શહેરને પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ અને પર્યાવરણલક્ષી બનાવવાના ઉમદા સંકલ્પ સાથે તારીખ ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ વ્યાપક સફાઈ અને ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મોરબી મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWIM) શાખા હેઠળ કાર્યરત સ્વચ્છતા માર્શલોની ટીમ દ્વારા શહેરના તમામ ૧ થી ૧૩ વોર્ડ વિસ્તારમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) વિરુદ્ધ સઘન સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.
આ વિશેષ ડ્રાઈવ દરમિયાન સ્વચ્છતા માશુલો દ્વારા શહેરના મુખ્ય માર્ગો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાકભાજી માર્કેટ, હોટલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, પાન-ગલ્લા તેમજ વિવિધ વ્યાપારી એકમોમાં ઓચિંતું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પર્યાવરણ માટે અત્યંત ઘાતક એવા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની પાતળી થેલીઓ, ઝભલા, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક કટલરી સહિત આશરે ૬૫ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરી જાહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરતા વેપારીઓ અને આસામીઓ સામે કડક દંડાત્મક પગલાં ભરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા માર્શલો દ્વારા શહેરના વોર્ડ નં. ૧ થી ૧૩ સહિતના તમામ વિસ્તારોમાં સવારથી સાંજ સુધી સતત પેટ્રોલીંગ અને મોનિટરિંગ કરી વ્યાપક તપાસ કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક ડ્રાઈવ અંતર્ગત તમામ વોર્ડમાંથી કુલ ૬૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની સાથે નિયમભંગ કરનારા વિવિધ એકમો અને આસામીઓ પાસેથી કુલ રૂ. ૫૩,૬૦૪/- ની પેનલ્ટી (દંડ) સ્થળ પર જ વસૂલ કરી મહાનગરપાલિકામાં જમા લેવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સમસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો, દુકાનદારો અને નાગરિકોને કડક તાકીદ સાથે નમ્ર અપીલ કરવામાં આવે છે કે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે બંધ કરી, તેના વિકલ્પ તરીકે પર્યાવરણને અનુકૂળ કાપડની કે કાગળની થેલીઓનો આગ્રહ રાખે, સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં પણ સ્વચ્છતા માશલો દ્વારા તમામ વોડમાં આ પ્લાસ્ટિક પ્રતિબંધ ડ્રાઈવ સતત અને વધુ કડકાઈપૂર્વક ચાલુ રાખવામાં આવશે અને નિયમભંગ કરનારાઓ સામે દંડ સહિત કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.











