TANKARA:ટંકારા ગૂગલ પરથી કુરિયર કસ્ટમર કેરનો નંબર મેળવવો ભારે પડ્યો, લિંક ક્લિક કરતાં જ બેંક ખાતામાંથી ₹4.42 લાખ સાફ

ટંકારા ઓનલાઇન કુરિયર ટ્રેકિંગની વિગત મેળવતી વખતે સહેજ પણ અજાણ રહેવું કેટલું મોંઘું પડી શકે છે, તેનો વધુ એક સાયબર ક્રાઈમનો કિસ્સો ટંકારા પંથકમાં સામે આવ્યો છે. DTDC કુરિયરના કસ્ટમર કેરના નામે ગૂગલ પરથી મેળવેલા નંબર પર સંપર્ક કરી, માત્ર મામૂલી ટ્રાન્ઝેક્શન ચાર્જના નામે આવેલી લિંક ઓપન કરતાં જ એક જાગૃત નાગરિકે પળવારમાં ₹4.42 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.

મળતી વિગતો મુજબ, ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પરસોત્તમભાઈ વશરામભાઈ મકવાણા (ઉં.વ. ૪૬)ની કંપનીનું UPS ખરાબ થઈ ગયું હતું. કંપની દ્વારા આ UPS ગાંધીધામ ઓફિસેથી DTDC કુરિયર મારફતે મંગાવવામાં આવ્યું હતું. ૧૦ દિવસ સુધી પાર્સલની ડિલિવરી ન મળતાં પરસોત્તમભાઈએ ગૂગલ સર્ચ એન્જિન પરથી DTDC કુરિયરનો કસ્ટમર કેર નંબર શોધી તેના પર કોલ કર્યો હતો.
સામે છેડે રહેલા સાયબર ગઠિયાએ કુરિયર સરનામે પહોંચાડવા માટે એક ઓનલાઇન લિંક મોકલી હતી. આ લિંકમાં કંપનીનું એડ્રેસ અને પિનકોડ અપડેટ કરી માત્ર મામૂલી પ્રોસેસિંગ ફી ચૂકવવા માટે જણાવાયું હતું. ફરિયાદીએ લિંક ઓપન કરી વિગતો ભરી ઓનલાઇન પેમેન્ટ કરવાનો પ્રયાસ કરતાં જ સાયબર ઠગ દ્વારા તેમના એક્સિસ બેંક ખાતામાંથી ફેડરલ બેંકના અલગ-અલગ એકાઉન્ટમાં RTGS અને IMPS મારફતે તબક્કાવાર કુલ ₹૪,૪૨,૦૦૫.૯૦ ઉપાડી લેવામાં આવ્યા હતા.ખાતામાંથી મોટી રકમ કપાઈ જતાં પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો અહેસાસ થતાં પરસોત્તમભાઈએ તાત્કાલિક ટંકારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ટંકારા પોલીસે બંને બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ છેતરપિંડી અને સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની તજવીજ હાથ ધરી છે.











