GUJARAT:દેશભરના ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર: 28થી 30 સપ્ટેમ્બરની બેંક હડતાળ મુલતવી, કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે

દેશભરના બેંક ગ્રાહકો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળ હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. રવિવારે મોડી રાત્રે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સહમતિ સધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ત્રણ દિવસ સુધી બેંક સેવાઓ ખોરવાઈ જવાની ચિંતા ટળી છે.
બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો:
5-ડે બેંકિંગ માટે સંયુક્ત સમિતિ: બેંક કર્મચારીઓની 5 દિવસના કાર્યસપ્તાહ (શનિવાર-રવિવાર રજા)ની લાંબા સમયથી પડતર માંગ પર ઉકેલ લાવવા IBA અને UFBUના પ્રતિનિધિઓની એક ઉચ્ચસ્તરીય સંયુક્ત સમિતિ રચાશે. આ સમિતિ ગ્રાહકો અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેશે.
PLI યોજનામાં સુધારો: Scale-4 અને તેથી ઉપરના અધિકારીઓ માટે Performance Linked Incentive (PLI) યોજનામાં જરૂરી સુધારા કરી સરકાર સમક્ષ સંયુક્ત દરખાસ્ત મૂકવા બંને પક્ષો સહમત થયા છે.
અન્ય પડતર માંગણીઓ: 8 માર્ચ, 2024ના રોજ ચર્ચાયેલા બાકી મુદ્દાઓ પર વાટાઘાટો ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.
26 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળની ચીમકી
UFBUએ સ્પષ્ટતા કરી છે કે આ હડતાળ માત્ર હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે, રદ કરાઈ નથી. જો કર્મચારીઓની માંગણીઓ અને બેઠકમાં થયેલી સમજૂતીઓનો સમયસર અમલ કરવામાં નહીં આવે, તો આગામી 26 ઓક્ટોબરથી દેશવ્યાપી અનિશ્ચિત મુદતની હડતાળ પાડવામાં આવશે.
હાલ પૂરતું 28થી 30 સપ્ટેમ્બર સુધી તમામ બેંકોમાં સામાન્ય કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી નાણાકીય વ્યવહારો અટકશે નહીં.












