વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઘોલાઇ બંદર ખાતે સરકારી હેડે ચાલતી જમીનમાં દરીયાઇ સુરક્ષાના પગલે દુકાનો/બાંધકામો/શેડ પ્રકારનું ગેરકાયદેસર દબાણ અંગેની ફરિયાદો તંત્રને મળતા તા.૨૪/૦૯/૨૦૨૬નાં રોજ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ. પરંતુ દબાણ કરનારાઓએ પોતાનો સામાન અન્ય સ્થળે ખસેડવા વિનંતી કરતાં તેઓને તા.૨૭/૦૯/૨૦૨૬ સુધીની મુદત આપવામાં આવી હતી.
જે કામે આજરોજ મોજે-ઘોલાઇ બંદર, તા.ગણદેવી, જી.નવસારી ખાતે મે.
નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ પ્રાંત અધિકારીશ્રી ચીખલી નિશાંત કુગસીયા, મામલતદારશ્રી ગણદેવી દિપીકા એસ. શેઝ, સર્કલ ઓફીસરશ્રી બીલીમોરા વનરાજસિંહ સોલંકી, સર્કલ ઓફીસરશ્રી ગણદેવી જીગરભાઇ જોષી, મહેસુલી તલાટીશ્રી બીગરી અરવિંદભાઇ રબારી, ત.ક.મંત્રીશ્રી ધોલાઇ પ્રદિપ પટેલ, વલસાડ રૂરલ ડીવીઝનના નાયબ ઇજનેરશ્રી તેમજ જી.ઇ.બી.ના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર રહી સવાલવાળી જમીનમાંથી દરીયાઇ સુરક્ષાના પગલે અનઅધિકૃત ૧૮ જેટલી નાની મોટી દુકાનો/પતરાના શેડ/ ગેરેજ/કેબીન તેમજ અન્ય તમામ પ્રકારનું ગેરકાયદેસર દબાણ મળી અંદાજીત કુલ ૨૦૦૦ ચો.મી. જેટલા વિસ્તારમાંથી દબાણ દુર કરવામાં આવ્યા હતા.
સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રહેશે અને કાયદો હાથમાં લેનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાના અનિચ્છનીય પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે સ્થાનિક પોલીસ દ્રારા પૂરતો પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. સરકારી મિલકતનું રક્ષણ કરવા સરકારી જમીન અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા કોઇપણ અસામાજિક તત્વો કે ભૂમાફિયાઓની આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.










