વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૯ સપ્ટેમ્બર : સ્વચ્છતા રેલી, સફાઈ ઝુંબેશ, પ્રદર્શન, વક્તવ્ય, સ્પર્ધાઓ,સ્વચ્છતા સંકલ્પ,નાટક દ્વારા અપાય રહ્યો છે સ્વચ્છતાનો સંદેશ સ્વચ્છ ભારતના નિર્માણ માટે મેળાના મુલાકાતથીઓ થઈ રહ્યા છે.સંકલ્પબધ્ધ મીની તરણેતર ગણાતો કચ્છનો સૌથી મોટો મોટાયક્ષનો મેળો લાખો લોકોનો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે ત્યારે આ વર્ષે આ મોટા યક્ષના મેળામાં સ્વચ્છતા હી સેવાનો મંત્ર ગુંજી રહ્યો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજ દ્વારા આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનના કાર્યક્રમ અંતર્ગત મેળામાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ, કચ્છ જિલ્લા તેમજ નખત્રાણા તાલુકા પ્રશાસન વહીવટી તંત્ર અને સાયરા જૂથ પંચાયતના સંયુક્ત પ્રયાસથી મોટા યક્ષ મેળામાં સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સાયરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જયંતીભાઈ, પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, મામલતદાર રાકેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી હાર્દિકભાઈ ગઢવી તેમજ નખત્રાણા તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓ, કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સદસ્યો, સાયરા પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ એ સ્વચ્છતા ના નારા સાથે મેળા માં સ્વચ્છતા રેલી કાઢી હતી સાથે જ મેળાના તમામ વિસ્તારોમાં સર્વે એ ભેગા મળી સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. ધારાસભ્ય તેમજ પ્રાંત અધિકારી સહિત તમામ લોકો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા અને મેળાના મુલાકાતઓ તેમજ મેળાના વેપારીગણને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવો એ મેળાના મુલાકાતઓ તેમજ વેપારીઓને મેળા દરમિયાન પ્લાસ્ટિક ન વાપરવા અપીલ કરી હતી અને સાથે જ કપડાની થેલીનું નિશુલ્ક વિતરણ કર્યું હતું.કેન્દ્રીય સંચાર બ્યુરોના મલ્ટીમીડિયા પ્રદર્શન સ્થળ પર મેળા દરમિયાન અનેકવિધ સ્વચ્છતા સંબંધીત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંગે જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ્રદર્શન થકી મેળાના મુલાકાતઓને સ્વચ્છતા અંગે જાગૃતિ નો સંદેશ તેમજ સમજણ પૂરી પાડવામાં આવી રહી છે. મંચ પરથી મનોરંજક શૈલીમાં નાટકની પ્રસ્તુતિ દ્વારા સ્વચ્છતા માટે લોકોને હળવી શૈલીમાં સંદેશ આપવામાં આવી રહ્યો છે. સ્વચ્છતામાં લોકજાગૃતિ વધારવાના ભાગરૂપે વક્તવ્ય તેમજ વિભિન્ન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા થયેલ લોકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે મેળામાં આવતા મુલાકાતીઓને દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાન વિશે તેમજ હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા હું સેવા અભિયાન વિશે પૂરતી સમજ આપવાની સાથે આ અભિયાનમાં જોડાવા માટે નમ્ર અનુરોધ કરવામાં આવી રહ્યો છે.કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મંચ પરથી મેળા તેમજ ગામની સફાઈ સાથે સંકળાયેલા સફાઈ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે.પ્રદર્શનની મુલાકાતે આવી રહેલા મુલાકાતીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટેની અપીલ કરવાની સાથે નિશુલ્ક કપડાની થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.સ્વચ્છતા સંબંધીત આ અનેકવિધ કાર્યક્રમથી પ્રભાવિત થઈ મેળાના મુલાકાતીઓ પણ સ્વચ્છતા અંગેના તેમના વિચારો પ્રસ્તુત કરી રહ્યા છે તેમજ સ્વચ્છતા નો સંકલ્પ લઈ સ્વચ્છ ભારતના નિર્માણ માટે કટિબદ્ધ બની રહ્યા છે. જે કેન્દ્રીય સંચાર બ્યુરોના આયોજનને સાર્થક બનાવે છે.












