MORBI:મોરબી ગ્રાહક અદાલતોમાં કેસોના ભરાવા અને વિલંબ મામલે મુખ્યમંત્રીને રજૂઆત

રાજ્યની ૩૬ ગ્રાહક અદાલતો વચ્ચે માત્ર ૯ જ ન્યાયમૂર્તિ; ન્યાયાધીશો અને સ્ટાફની અછતને લીધે ‘જાગો ગ્રાહક જાગો’ અભિયાન સામે સવાલો
મોરબી:ગ્રાહકોને ઝડપી અને સુલભ ન્યાય મળે તે હેતુથી શરૂ કરાયેલ ગ્રાહક અદાલતો હાલ ખુદ વ્યવસ્થાના અભાવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ૯૦ દિવસમાં કેસનો નિકાલ કરવાની જોગવાઈ હોવા છતાં અરજદારોને ૫ થી ૬ વર્ષ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ત્વરિત પગલાં ભરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

એક જજ પાસે પાંચ-પાંચ જિલ્લાનો ચાર્જ – રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં આવેલી ૩૬ ગ્રાહક અદાલતો વચ્ચે માત્ર ૯ જ ન્યાયમૂર્તિઓ કાર્યરત છે. જેના કારણે એક-એક જજ પાસે પાંચ-પાંચ જિલ્લાઓનો વધારાનો ચાર્જ રહે છે. સાથોસાથ પંચના અન્ય સભ્યો અને સ્ટાફની નવી ભરતી ન થવાને કારણે કેસોના ભરાવા વચ્ચે સામાન્ય નાગરિકો પીસાઈ રહ્યા છે. સ્ટેટ કમિશન (રાજ્ય તકરાર નિવારણ આયોગ)માં પણ ૭ થી ૮ મહિના પછીની તારીખો પડતી હોવાથી ન્યાય મેળવવાની આશામાં અરજદારો વૃદ્ધ થઈ જાય છે છતાં કેસનો અંતિમ નિકાલ આવતો નથી.
મોરબીના કેસો અને પોલીસ તંત્રની ઢીલી કામગીરી અંગે ચિંતા – મોરબી જિલ્લાની ગ્રાહક અદાલતના જૂના કેસો હજુ સુધી જામનગરથી રાજકોટ ટ્રાન્સફર ન થતાં વહીવટી શિથિલતા છતી થાય છે. હાલ મોરબી જિલ્લાનું તકરાર નિવારણ આયોગ રાજકોટ ખાતે કાર્યરત છે. પરંતુ અદાલત દ્વારા ગ્રાહકોના હિતમાં જે વોરંટ ઈશ્યુ કરવામાં આવે છે, તેની બજવણી પોલીસ વિભાગ દ્વારા સમયસર કરવામાં આવતી નથી. પોલીસ દ્વારા વોરંટની ત્વરિત બજવણી ન થવાના કારણે ગ્રાહકો જીતેલા કેસમાં પણ વળતરથી વંચિત રહી જાય છે.ગૃહ વિભાગને સૂચના આપવા માંગ
ગ્રાહક સુરક્ષા મંડળે માંગ કરી છે કે:રાજ્યભરની ગ્રાહક અદાલતો અને સ્ટેટ કમિશનમાં ખાલી પડેલી ન્યાયાધીશો તથા સભ્યોની જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે.અદાલતો દ્વારા જારી કરાતા વોરંટની બજવણી સમયમર્યાદામાં થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા પોલીસ તંત્રને કડક આદેશો આપવામાં આવે.વહીવટી ગૂંચવણો દૂર કરી કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવે, જેથી વડાપ્રધાનશ્રીના “જાગો ગ્રાહક જાગો” અભિયાન પર સામાન્ય પ્રજાનો વિશ્વાસ કાયમ રહે.આ રજૂઆતની નકલ ગૃહ રાજ્યમંત્રી, કેબિનેટ મંત્રી (ગ્રાહક બાબતો), કેન્દ્રીય રાજ્યમંત્રી, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય તથા સ્ટેટ કમિશનના રજિસ્ટ્રારને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.










