તા.૨૯.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના નગરાળા ગામે નલ સે જલ યોજનામાં ગેરરીતિ મામલે ગ્રામજનોનો તાલુકા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન
સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ઘરે-ઘરે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આ યોજના દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દાહોદ તાલુકાના નગરાળા, નીમનળીયા અને નસીરપુર ગામોમાં યોજના અંતર્ગત થયેલી વ્યાપક ગેરરીતિઓ મામલે આજે રોષે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાગળ પર યોજના પુરી, વાસ્તવિકતામાં પાણી ગાયબ ગ્રામજનોનો આરોપ છે કે, સરકારી ચોપડે આ ત્રણેય ગામોમાં ‘નલ સે જલ’ યોજનાની કામગીરી પૂર્ણ બતાવીને કરોડો રૂપિયાના બિલો પાસ કરી દેવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન અલગ છે. ગામના મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી પાઇપલાઇન નાખવામાં આવી નથી, અને જ્યાં નળ કનેક્શન અપાયા છે ત્યાં આજ દિન સુધી પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. પીવાના પાણીની ગંભીર કટોકટીને કારણે ગામની મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.તંત્રને અલ્ટીમેટમ યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરીને કચેરી ગજવી મૂકી હતી અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ને આ મામલે લેખિત આવેદનપત્ર સોંપ્યું હતું. લોકોએ માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરીને તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.









