તા.૨૯.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ વોર્ડ નં. ૬ માં પાણીની લાઈન રિપેરિંગ વચ્ચે સર્જાયેલી અછત:વાયરલ વીડિયો બાદ સ્થાનિક કાઉન્સિલરો દોડતા થયા
દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ માં છેલ્લા કેટલાક સમયથી પાણીની પાઇપલાઇન રિપેરિંગની કામગીરી ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં પાણીની ભારે અછત સર્જાઈ છે. આ ગંભીર સમસ્યા અંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં જ વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. વીડિયો વાયરલ થતાં જ સફાળા જાગેલા સ્થાનિક કાઉન્સિલરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર ૬ ના કેટલાક વિસ્તારોમાં લાઈન રિપેરિંગના કારણે પાણી પુરવઠો ખોરવાયો છે. સ્થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓને દૈનિક જરૂરિયાતો માટે પાણી મેળવવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આક્રોશ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં વિસ્તારની ‘પાણીની તંગી’ની વાસ્તવિકતા સામે આવી હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ નગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલરો હરકતમાં આવ્યા હતા. તેઓએ તાત્કાલિક પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી અને રિપેરિંગ કામ કરી રહેલા કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. બીજી તરફ, વોર્ડ નંબર ૬ ની સ્થાનિક મહિલાઓએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વારંવાર લાઈન રિપેરિંગના નામે પાણી બંધ કરી દેવામાં આવે છે, જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. મહિલાઓએ વહેલી તકે નિયમિત અને પૂરતું પાણી પૂરું પાડવાની માંગ કરી છે. કાઉન્સિલરોએ પણ મહિલાઓની રજૂઆત સાંભળીને આ સમસ્યાનો કાયમી અને વહેલો ઉકેલ લાવવાની ખાતરી આપી છે.







