MALIYA:માળિયાના નવાગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર મોરબી એલસીબીનો દરોડો: ₹1.21 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર


માળિયા (મીં.) તાલુકાના નવાગામની સીમમાં વોકળાના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્કોડે સંયુક્ત દરોડો પાડીને કુલ ₹1,21,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળતા તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર તેમજ એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ માળિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે નવાગામનો રહેવાસી સમીર જાકમ જોડા નામનો શખ્સ સીમમાં વોકળા કાંઠે ખુલ્લી જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતા સ્થળ પરથી:દેશી દારૂ: 430 લીટર (કિંમત ₹86,000) દારૂ બનાવવાનો આથો: 1,400 લીટર (કિંમત ₹35,000) આમ, કુલ ₹1,21,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી સમીર જાકમ જોડા હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













